*/
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા શ્રી જોગી સ્વામીના આશીર્વાદથી તથા સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી શ્રી હરિદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે રાજકોટ પાસેના નગર પીપળીયા ગામે તૈયાર થયેલ નૂતન ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા અવસરે તા. ૯ થી ૧૫ મે ૨૦૧૫ દરમ્યાન ‘મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું.
પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ ભાગવતકથાના મહિમાની વાતો સાથે જીવનલક્ષી પ્રેરણા આપી હતી. નગર પીપળિયા ગામની ધાર્મિક સમરસતા સુદ્રઢ થાય તે માટે નાના પંથોના વાડામાંથી ઉપર ઉઠી સમગ્ર હિન્દુધર્મને પ્રેમ કરવો તેમ જણાવ્યું હતું. જેમ મંદિરમાં ઠાકોરજી બિરાજે છે તેમ દરેક પ્રાણી માત્રમાં ઠાકોરજી બિરાજે છે તેની પણ સેવા કરવી.
રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આપણા ગોકુળિયા ગામમાં જયારે ભગવાનની જાન આવે ત્યારે આપણા આંગણા, આપણી શેરીઓ સ્વચ્છ હોવા જોઈએ. આપણા કીર્તનોમાં પણ ગવાય છે કે ‘શેરી વળાવી સજ્જ કરી, હરિ આવો રે’…. આપણું ગામ કાયમ માટે સ્વચ્છતા અભિયાનમાં જોડાય તો જ આ રૂક્ષમણી વિવાહ પ્રસંગ સાર્થક રહેશે.
પૂજ્ય સ્વામીશ્રીની આ અપીલને ગામ સમસ્તના ભાઈ-બહેનોએ તાલીઓના નાદથી વધાવી લીધી હતી. ગામની બહેનોએ વહેલા ઉઠીને પોતપોતાની શેરીઓ વાળી ચોળીને સ્વચ્છ – સુંદર બનાવી હતી. પૂજ્ય સ્વામીજી અને સંતો સાથે ગામના યુવાનો અને આગેવાનો પણ આ અભિયાનમાં ઉત્સાહથી જોડાયા હતા. અને સમગ્ર ગામમાં સફાઈ કરીને ગામની બજારો, રસ્તાઓ વગેરે ચોખ્ખા આભલાં જેવા કરી દીધા હતા. સ્વામીજીની પ્રેરણાથી દુકાનો અને ગલ્લાવાળાઓએ પણ પોતાની જગ્યામાં સ્વચ્છતા જાળવવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે સમસ્ત ગામના યુવાનો અને આગેવાનોએ પૂજ્ય સ્વામીજી પાસે નિયમીત રીતે ગામને સ્વચ્છ અને સુંદર રાખવાની પ્રતિજ્ઞા કરી હતી.
સાંજની કથામાં સ્વામીજીએ વ્યાસપીઠેથી ગામના ભાઈ બહેનોના સ્વચ્છતા અભિયાનના ઉત્સાહને બિરદાવ્યો હતો. ત્યાર બાદ સ્વચ્છ – સુંદર ગામની શેરીઓમાં ભગવાન શ્રી કૃષ્ણની જાનના ઉત્સાહ અને ઉમંગથી વધામણા થયા હતા. ગામ સમસ્ત માટે આજનો દિવસ અત્યંત ધન્ય અને યાદગાર રહ્યો.
વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આાચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજ પધારતા ભવ્ય નગર યાત્રાનું આયોજન થયું હતું. પૂજ્ય આાચાર્ય મહારાજશ્રી હસ્તે નુતન મંદિરમાં ઠાકોરજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ત્યાર બાદ પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ યજ્ઞશાળામાં આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ પધારી યજ્ઞનારાયણની આરતિ ઉતારી હતી.
પૂજ્ય આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે આવા નાના ગામમાં આવું ભગીરથ આયોજન જોઇને અત્યંત આનંદ થાય છે. આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ મહોત્સવના યજમાનોને હાર પહેરાવી શુભાશીર્વાદ આપ્યા હતા.
Picture Gallery