માનનીય વાજપેયીજીને (SGVP) ગુરુકુલ પરિવાર દ્વારા શ્રંદ્ધાજલી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ ખાતે ચાલી રહેલા જ્ઞાનસત્ર દરમિયાન ભારતના પનોતા પુત્ર અને લોકલાડીલા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને પ્રાર્થના સ્વરૂપે વિષેશ ધૂન-ભજન કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, ભારતવર્ષના મહાન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી વાજપેયીજીના નિધનના સમાચાર સાંભળી એવું લાગી રહ્યું છે કે જાણે એ સૈકાનો અસ્ત થઈ ગયો. પૂન્યવંતી ભારતભૂમિના એ સપૂત હતા. એમણે ભારતને સશક્ત અને સમૃદ્ધ બનાવવામાં કશી ઉણપ રાખી ન હતી. આખા વિશ્વની સમક્ષ એમણે ભારતને અણુશક્તિમાં સક્ષમ સાબિત કરી દીધું. અનેક અવરોધો વચ્ચે પણ એમણે હિંમતથી અનેક કાર્યો કર્યા. કહેવત છે કે ‘વેરી પણ જેના ઘાવ વખાણે’ એમ પક્ષ અને વિપક્ષે સદાય એમને આદર આપ્યો.
એમની વાત વિરોધીઓ પણ આદરથી સાંભળતા. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ એમના એક એક શબ્દોમાંથી નીતરતો. સંઘની શિસ્ત એમના જીવનમાં સદાય વણાયેલી રહી. એમનો રાજ્યકાળ તેમજ નિવૃત્તિકાળ સદાય સહુને પ્રેરણા આપતો રહ્યો. એટલજીએ પ્રધાનમંત્રીનું પદ ગૌરવથી સ્વીકાર્યું અને ભારતમાતાની જે સેવા કરી છે તે ક્યારેય ભૂલી શકાશે નહીં. રાજધર્મ અને પ્રજાધર્મ એમણે પ્રેમથી પાળ્યો. એમના શબ્દો ‘કંકણ કંકણ શંકર હૈ, બુંદ બુંદ ગંગાજલ હૈ’ કાયમ કાનમાં ગુંજતા રહેશે-પ્રેરણા આપતા રહેશે. એમની જીવનયાત્રા ગૌરવપૂર્ણ રહી અને વિદાય પણ ગૌરવપૂર્ણ રહી. ગુરુકુલ પરિવાર આવા મહાન રાષ્ટ્રનેતાને શ્રદ્ધાંજલી અર્પે છે અને હજારોહજાર વંદન કરે છે.