Photo Gallery
માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજીના માતુશ્રી હિરાબાનો અક્ષરવાસ થયો છે. ત્યારે આફ્રિકામાં સત્સંગ વિચરણ કરી રહેલા SGVP ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ સત્સંગસભામાં હિરાબાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, પૂજનીય માતુશ્રી હિરાબાના અક્ષરવાસથી એક સુવર્ણ શતક પૂર્ણ થયું. એમની પવિત્ર આત્માને SGVP ગુરુકુલ પરિવાર શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.
હિરાબા એક એવી મા હતા કે જેમણે શ્રેષ્ઠ રાષ્ટ્રપુરુષને જન્મ આપ્યો. જેને આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નામથી ઓળખીએ છીએ.
ભારતવર્ષની જનેતાઓએ અનેક મહાપુરુષો, યુગપુરુષો, તથાગતો, તીર્થંકરો, ભગવંતોને જન્મ આપ્યો છે. જેમણે ભારતવર્ષને મહાન બનાવ્યો છે. માતુશ્રી હિરાબા આવા જ એક મહાન માતા હતા. એમનું જીવન ભગવતી ભાગીરથી જેવું પવિત્ર હતું અને એ ભાગીરથી પોતાનું કાર્ય પૂર્ણ કરીને હવે અનંત સાગરમાં લીન થઈ ગઈ છે.
મા હિરાબા નરેન્દ્રભાઈ માટે પ્રેરણાશ્રોત હતા. નરેન્દ્રભાઈને માતા પ્રત્યે અપાર શ્રદ્ધા-ભક્તિ હતી. સામે હિરાબાનું જીવન પણ વાત્સલ્ય પરિપૂર્ણ હતું. માતાના આશિર્વાદથી જ નરેન્દ્રભાઈ ભારતની સેવા કરતા રહ્યા અને એ માના જીવનમાંથી પ્રેરણા મેળવીને એમણે ભારતને આજે વિશ્વશ્રેષ્ઠ બનાવ્યો છે.
નરેન્દ્રભાઈ સંવેદનશિલ રાષ્ટ્રપુરુષ છે. માતાની વિદાયથી એમના દિલમાં કેટલું દુઃખ થતું હશે એનું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. પરંતુ હવે હિરાબાએ કરોડો ભારતવાસી જનેતાઓના દિલમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
વિશેષ આનંદ એ વાતનો થાય છે કે, કોઈપણ પ્રકારના દેખાવો કે આટાટોપ વિના માતાના અંતિમ સંસ્કાર થયા. અંતિમ સંસ્કાર પછી તુરત જ નરેન્દ્રભાઈ દેશની સેવામાં જોડાઈ ગયા.
ભગવાન શ્રીકૃષ્ણ સાંદીપનિ ઋષિના ગુરુકુલમાં અભ્યાસ કરતા હતા. એમણે ગુરુમાતાને કહ્યું હતું કે, મા હું ભાગ્યશાળી શું કારણ કે મને ત્રણ માતાઓ મળી છે. એક માતા જશોદા, બીજી દેવકી અને ત્રીજા તમે. એ જ રીતે નરેન્દ્રભાઈ માટે પણ છે. એમના માટે એક મા હિરાબા હતા અને બીજી મા મા-ભારતી છે. આજ એમણે એક માને વિદાય આપી અને બીજી માની સેવામાં જોડાઈ ગયા છે.
અમે હિરાબાના પવિત્ર આત્માને પ્રણામ કરીએ છીએ અને એમના આત્માને ભગવાન પોતાના ચરણોનું સુખ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે નરેન્દ્રભાઈને માની વિદાયનું દુઃખ સહેવાની હિંમત આપે એવી પ્રાર્થના કરીએ છીએ.
આ ઉપરાંત SGVP ગુરુકુલ તથા તેમની દરેક શાખાઓમાં વિશેષ શ્રદ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ધૂન-ભજન કરી હિરાબાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.