શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે પૂજ્ય સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ભગવાન વેદની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુરુકુલની કન્યાઓએ ભગવાન વેદને મસ્તક ઉપર પધરાવી શોભાયાત્રા કાઢી હતી. શાળાના મધ્યભાગે વેદની પ્રતિષ્ઠા કરી પૂજ્ય સ્વામીજીએ વિધિવત પૂજન કર્યું હતું. વેદ ભગવાન તથા સ્વામીજીના પૂજન માટે ગુરુકુલની બાળાઓએ સૂતળીમાંથી જાતે બનાવેલી ટોપલીઓમાં છલોછલ પૂષ્પો ભરી મોકલાવ્યા હતા.
આ પ્રસંગે યોજાયેલ સત્સંગ સભામાં દ્રોણેશ્વર ગુરુકુલના બાળકોએ સંવાદના રૂપમાં ભગવાન વેદનો પરિચય આપ્યો હતો. પૂજ્ય સ્વામીજીએ પોતાની આગવી રમુજી શૈલીમાં બાળકોને વેદોનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, વેદના પ્રસિદ્ધ ઋષિઓ છે એ જ રીતે વેદની ગાર્ગીદેવી વગેરે ઋષિકાઓ પણ પ્રસિદ્ધ છે. વેદમાં ગાર્ગીદેવી અને યાજ્ઞવલ્ક્ય ઋષિનો સંવાદ ખૂબ પ્રસિદ્ધ છે. સ્વામીજીએ બાળકોને સમજાય એવી ભાષામાં ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય ઋષિની કથા કહી હતી અને જણાવ્યું હતું કે આપણી દીકરીઓ વેદને મસ્તક ઉપર પધરાવી શોભાયાત્રા કાઢે છે. આ બધી દીકરીઓને અમે ગાર્ગીદેવીની પ્રતિનિધી માનીએ છીએ.
આ પ્રસંગે વેદ પ્રતિષ્ઠાના યજમાન ગુરુકુલના વિદ્યાર્થી શ્રી અંકુર પડશાળાના પિતા શ્રી લાખાભાઇને સ્વામીજીએ અભિનંદન આપી આશીર્વાદ પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, ગામડાનો આ સાધારણ ખેડુત કે જેને છાપું વાંચતા પણ નથી આવડતું એ આજે વેદ પધરાવી રહ્યા છે એનો અમને આનંદ છે. ગ્રામ્ય વિસ્તારમાં ગુરુકુલની આ ભવ્ય અને વિશાળ શાળામાં શહેરમાં પણ દુર્લભ એવા સ્માર્ટ ક્લાસ ચાલી રહ્યા છે. આવા આધુનિક શિક્ષા સંકુલના વાતાવરણમાં આ વેદ પ્રતિષ્ઠાનો પ્રસંગ અનોખી ભાત ઉપસાવનાર રહ્યો હતો. આ પ્રસંગે દ્રોણેશ્વર ગુરુકુલના સંચાલક પૂજ્ય ભંડારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, ધર્મનંદનદાસજી સ્વામી, ધર્મવત્સલદાસજી સ્વામી, નરનારાયણદાસજી સ્વામી, શામજી ભગત, પ્રસિદ્ધ પ્રવક્તા તુષારભાઇ જોષી, પ્રિન્સિપાલ મહેશભાઇ જોષી, ભક્તજનો તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.