Photo Gallery
અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) વિશ્વપ્રસિદ્ધ સંસ્થા છે. આ સંસ્થા શિક્ષણ, આરોગ્ય અને સમાજ સેવાના અનેક કાર્યો કરી રહી છે. સાથે સાથે સંસ્થાના અધ્યક્ષ ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની નિશ્રામાં અહીં સાહિત્ય અને કલાના પોષણ માટે પણ ખૂબ કાર્ય થતું રહે છે.
તારીખ ૨૩ મે, ૨૦૨૩ ના રોજ SGVP ગુરુકુલ ખાતે દિવ્યતાસભર બાઉલ ગીત મહોત્સવ ઉજવાયો હતો. પૂજ્ય સ્વામીજીના સાંનિધ્યમાં યોજાયેલ આ મહોત્સવમાં બંગાળથી સુપ્રસિદ્ધ મધુસુદન બાઉલ તથા સનાતન બાઉલજીએ પરંપરાગત વાદ્યો સાથે લોકઢાળમાં પ્રેમભાવથી બાઉલ ગીતો ગાઇને સૌને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા.
હજારો વર્ષ જૂની આ બાઉલ પરંપરા કૃષ્ણભક્તિ અને ગુરુભક્તિનો મહિમા ગાય છે. ખૂબ સીધા-સાદા બાઉલો આ પરંપરાને સાચવીને ભારતીય સંસ્કૃતિની સેવા કરી રહ્યા છે. ચાર-પાંચ હજાર પદોને કંઠસ્થ રાખીને આ બાઉલો કૃષ્ણભક્તિ અને પરંપરાને જીવંત રાખી રહ્યા છે.
બંગાળી ભાષામાં રચાયેલા બાઉલના ગાન સાથે ગુજરાતના પ્રસિદ્ધ લેખક શ્રી સતીષચન્દ્ર વ્યાસ દ્વારા અપાતી સમજૂતિ સૌને ભાવપ્રવાહમાં ડૂબાડતી હતી. આદરણીય સતીશભાઈએ વર્ષો સુધી સાધના કરીને બાઉલ ઉપર ખૂબ સંશોધન કર્યું છે અને ઘણા ગ્રંથોનું પ્રકાશન કર્યું છે.
આ પ્રસંગે ખાસ સતીશભાઈ દ્વારા લખાયેલ ‘બાઉલ શું બોલે ?’ ગ્રંથનું વિમેચન પૂજ્ય સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સર્વશ્રી રાજેન્દ્ર શુક્લ, હર્ષદ ત્રિવેદી, કમલ વોરા, કીરીટ દુધાત, ભીખેશ ભટ્ટ, અજય રાવલ, સુરેશ ગાલા, અરવિંદ બારોટ, અશ્વિન આણદાણી વગેરે મોટી સંખ્યામાં ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નિસર્ગ આહીરે કર્યું હતું.