શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ,મેમનગર ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીની નિશ્રામાં તેમજ હજારો હરિભકતોની ઉપસ્થિતિમાં ફુલદોલોત્સવ રંગભેર આનંદ અને ઉત્સાહ પૂર્વક ઉજવાયો હતો.કાર્યક્રમની શરુઆતમાં શ્રી હસમુખભાઈ પાટડીયા અને સંગીત સમ્રાટ શ્રી ઋષિકુમાર શાસ્ત્રી સાહેબે ‘રંગકી ધૂમ મચાવી રે રંગભીના’ગવરાવી સૌ કોઇને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા. ત્યારબાદ સંસ્કૃત પ્રાધ્યાપક શ્રી લક્ષ્મીનારાયણજી તથા ઋષિકુમારો દ્વારા વેદના મંત્રો સાથે ઠાકોરજીનું ષોડશોપચારથી તથા ૧૦૮ જનમંગલ નામાવલીથી પૂજન કરવામાં આવ્યું હતું.
પૂજન બાદ વૈદિક મંત્રો સાથે ૫૦૦ કિલો ગુલાબ તથા અન્ય ફૂલોની પાંખડીઓથી શ્રી ઘનશ્યામ મહારાજ પર ફૂલોની વર્ષા કર્યા બાદ કેસર મિશ્રિત જળથી ઠાકોરજી પર જળ છંટકાવ કર્યો હતો.આ પ્રસંગે પરમ પૂજ્ય પુરાણી સ્વામીએ જણાવ્યું હતું કે આજે બદ્રિકાશ્રમવાસી શ્રી નરનારાયણ દેવનો પ્રાગટ્ય ઉત્સવ છે. આજે બદ્રિકારણ્યમાં મરિચ્યાદિક ઋષિ મહર્ષિઓ નરનારાયણ દેવને ફુલોના હિંડોળામાં ઝુલાવતા હશે.
પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભારત એક સંસ્કારની ભૂમિ છે. તેથી તેના ઉત્સવો પણ સંસ્કારમય હોય છે. વિશ્વમાં ભારત જેવો કોઇ દેશ નહીં હોય કે જ્યાં સતત ઉત્સવો ઉજવાતા હોય. ભારતીય સંસ્કૃતિની તોલે કોઇ દેશની સંસ્કૃતિ આવે નહીં. આપણો ભારત દેશ સમૃદ્ધ છે કારણકે આપણે સતત ઉત્સવો ઉજવતા હોઇએ છીએ. ઉત્સવમાં આપણે આંતરિક ઉર્જા પ્રાપ્ત થાય છે.ભગવાન સ્વામિનારાયણ ઉત્સવીયા ભગવાન કહેવાય છે. હોળી જેવા તહેવારને કાદવ કીચડ ઉડાડવાને બદલે ફુલદોલમાં ફેરવી નાખી ભક્તિમય બનાવી નાંખ્યો છે. આપણા હર ઉત્સવમાં ભારતની અસ્મિતા પ્રગટ થાય છે. આપણા મંદિરો સંસ્કારના ધબકતા કેન્દ્રો -આસ્થાના પ્રતિકો છે. આપણા તમામ ઉત્સવો આપણને પ્રેરક બળ પુરું પાડે છે. જેમાં આનંદ ઉલ્લાસ ન હોય તે ઉત્સવ કહેવાય નહીં.આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ તમામ હરિભકતો પર કેસર મિશ્રિત જળ તેમજ ફુલોની વર્ષા કરી હતી.