શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ મેમનગર ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ‘પ્રેમાનંદ મ્યુઝીક એકેડેમી’ દ્વારા સંગીત શિક્ષા તાલીમ કેન્દ્રનો શુભારંભ પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે તા. ૨૦ જૂન ૨૦૧૩ ભીમ એકાદશીના પુનીત પર્વે કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આજે ગુરુકુલ મેમનગર ખાતે પ્રેમાનંદ મ્યુઝીક એકેડેમી દ્વારા સંગીત શિક્ષા તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. અધ્યાત્મ અને સંગીતને ક્યારેય જુદા પાડી ન શકાય. આદિ કાળથી ધર્મ જગતમાં સુરદાસ, મીરાંબાઇ, તુલસીદાસ, નરસિંહ મહેતા વગેરે ભકત કવિઓએ ભકિત સંગીતને સાધન બનાવીને પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી છે.સ્વામીજીએ જણાવેલ કે સંગીત કલા એક અક્સીર દવા છે જે માનવીને હળવાફુલ રાખે છે. આજે ડોકટરો પણ મ્યુઝીક થેરાપીનો ઉપયોગ કરી ઘણાં માનસિક અને શારીરિક રોગોને દૂર કરે છે. પરંતુ સંગીતની સાથે જયારે ભગવાનની ભક્તિ ભળે છે ત્યારે તે કલ્યાણકારી બની જાય છે. એ ભક્તિસંગીતની શિક્ષા અને પ્રેરણા સતત મળતી રહે તે માટે આ સંગીત શિક્ષા તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે.પુરાણી સ્વામી શ્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આ પ્રેમાનંદ સંગીત શિક્ષા તાલીમ કેન્દ્ર દ્વારા સંગીત સાધકો ભગવત ભક્તિયુક્ત સંગીતની તાલીમ લેતા રહેશે.