પ્રથમ પ્રવેશોત્સવ ૦૯ જૂન ૨૦૧૬
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કુમાર તથા કન્યા વિદ્યાલય – દ્રોણેશ્વરનો પ્રથમ પ્રવેશોત્સવ તા. ૦૯-૦૬-૨૦૧૬, ગુરુવાર ના રોજ પ્રવેશોત્સવ, વિદ્યાર્થીઓના વાલીઓ અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. આ પ્રસંગે પ્રથમ ઉદ્ઘાટક તરીકે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા વિશેષ અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી ગોવિંદભાઇ પટેલના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શામજી ભગતે જણાવ્યું હતું કે અત્યારે સાંપ્રત્ સમયમાં સંસ્કારયુક્ત શિક્ષણની ખાસ જરૂર છે. બાળક તો એક માટીનો પીંડ છે તે ને સંસ્કારયુક્ત કરવો એ શિક્ષક અને સંતની જવાબદારી છે. ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ હિમાલયમાં ગુરુકુલ અંગેનો કરેલો નાનો એવો સંકલ્પ એક વટવૃક્ષ બની રહ્યું છે. ગુરુકુલ બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ આપે છે તેથી અમને ખુબ જ આનંદ થાય છે. આજે દ્રોણેશ્વર ગુરુકુલના આંગણે કુમાર અને કન્યા વિદ્યાલય કરેલ છે તે આવકારદાયક છે. પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ખરેખર આજનો દિવસ ગુરુકુલ માટે ઐતિહાસિક અને અવિસ્મરણીય છે.
આજની તારીખ ૦૯ જે પૂર્ણાંક કહેવાય છે તેમા પણ ગુરુવાર જે શાસ્ત્ર પ્રમાણે શ્રેષ્ઠ ગણાય છે. આ સંસ્કારધાત્રી ગુરુકુલ સંસ્થામાં અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓએ સંસ્કારસભર કેળવણી મેળવી દેશ-વિદેશમાં રહીને પણ સંસ્કાર જાળવી રાખ્યા છે.
આ પ્રસંગે ભંડારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, શ્રી સૂર્યકાન્તભાઇ પટેલ, નૂતન પ્રવેશ પામેલ વિદ્યાર્થી અભય કુમાર કોરાટે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
આ પ્રસંગે શ્રી અશ્વીનભાઇ આણદાણી, શ્રી પુરુષોત્તમભાઇ ઠુમ્મર, શ્રી હરિભાઇ દુધાત, શ્રી બાલુભાઇ કુંભાણી, શ્રી પ્રેમજીભાઇ સેંજલીયા, શ્રી ધીમંતભાઇ શાહ, શ્રી પુંજાભાઇ પરમાર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાસંગિક પ્રવચન બાદ પ્રથમ પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓ દ્વારા લઇ આવેલ શુકનમાં શ્રીફળ અને સાકર ઠાકોરજીને ધરી સંતો અને શિક્ષકોને અર્પણ કરેલ ત્યાર બાદ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ દરેક બાળકને કપાળે કુંમકુંમનો ચાંદલો અને કેસરની અર્ચા કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો.