ગુરુકુલ પરિવારના સેવક સંત પૂજ્ય ગોવિંદપ્રસાદદાસજી સ્વામીનો, ટૂંકી માંદગી બાદ તા. ૦૪ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ અક્ષરવાસ થતા સમગ્ર ગુરુકુલ પરિવારે આઘાતની લાગણી અનુભવી છે.
સદ્ગુરુઓ અને સંતોની આજ્ઞા અને અનુવૃત્તિમાં રહી તેમણે દરેક ઉત્સવ સમૈયાઓમાં અનેકવિધ અથાક સેવાઓ સફળ રીતે પર પાડીને નાની ઉંમરમાં સંતો અને હરિભક્તોનો ખુબજ રાજીપો પ્રાપ્ત કર્યો હતો. ગુરુકુલ પરિવારના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓના આ લાડીલા સંત પૂજ્ય ગોવિંદપ્રસાદદાસજી સ્વામીએ તા. ૦૪ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ ખાતે પૂજ્ય સદ્ગુરુ પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી અને સંતોના સાનિધ્યમાં સવારે ૦૫:૪૫ કલાકે ધૂન ભજન સાથે અંતિમ શ્વાસ લીધા હતા.
તા. ૦૫ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ સવારે ૭:૦૦ કલાકે ગુરુકુલ અમદાવાદ ખાતે અંતિમ દર્શન બાદ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, વિવિધ સ્થાનોએથી પધારેલ સંતો અને હરિભક્તોની હાજરીમાં SGVP ગુરુકુલ પાસેના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવ્યો હતો.
તા. ૦૫ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ સાંજે શ્રદ્ધાંજલિ સભામાં પૂજ્ય સ્વામીજી, સંતો, ટ્રસ્ટીશ્રીઓ, હરિભક્તો અને વિદ્યાર્થીઓએ પૂજ્ય ગોવિંદપ્રસાદદાસજી સ્વામીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પૂજ્ય સ્વામીજીએ તેમના સેવા-શ્રદ્ધા-તપ-નિષ્ઠામય જીવનને બિરદાવ્યું હતું. પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ પણ નાની વયમાં તેમણે કરેલ પ્રેરણાસભર સેવા પ્રવૃતિઓથી સંતો હરિભક્તોના ખુબ રાજીપા પાત્ર જીવનને યાદ કરી સર્વેને સાંત્વના આપી હતી.
તા. ૧૦ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ ગઢપુર ખાતે તીર્થરાજ ઘેલાનદીમાં શ્રીજી મહારાજ અને નંદસંતોના પ્રસાદીભૂત સહસ્રધરામાં શાસ્ત્ર વિધિ પ્રમાણે સંતો ભક્તોએ પૂજ્ય ગોવિંદપ્રસાદદાસજી સ્વામીના અસ્થી વિસર્જન કર્યા હતા.