શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના મુખ્ય શિષ્ય, ગુરુકુલના વિકાસમાં જેઓનો અનન્ય ફાળો રહેલો છે એવા, આજીવન કર્તવ્યનિષ્ઠ, સ્નેહાળ, સદા હસમુખા એવા કોઠારી સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી ૯૪ વર્ષની ઉમરે તા.૨૩-ઓગસ્ટ-૨૦૧૪ ના રોજ વહેલી સવારે રાજકોટ મુકામે હરિસ્મરણ કરતા અક્ષરવાસી થતા, તેમના ગુણાનુવાદની સભા પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં છારોડી ગુરુકુલ ખાતે તા. ૦૭ સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ રાખવામાં આવી હતી.
આ પ્રસંગે અમેરિકાથી પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી વિડીયો કોલથી સંદેશો મોકલી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે પૂજ્ય ગુરુદેવના કૃપાપાત્ર કોઠારી સ્વામી સદાય સરળ, હસતા – હેતાળ હતા. તેમનું જીવન એટલે સંખ્યા જ્ઞાનનું મૂર્તિમંત સ્વરૂપ હતું. તેમનો ખોળો ખૂંદીને મોટા થયા છીએ, શરીર અહી છે પણ દિલ ત્યાં જ રહ્યું છે.
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે પૂજ્ય કોઠારી સ્વામીનો અમારા જેવા ઘણાં સંતોના જીવન ઘડવામાં તેમજ નીતિ નિયમો, ધર્મ મર્યાદા શીખવાડવામા બહુ મુલ્ય ફાળો રહેલ છે. તેમણે નિર્માની ભાવે સત્સંગની અને સમાજની ખૂબ જ સેવા કરી છે.
પુરાણી માધવજીવનદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે કોઠારી સ્વામીને શ્રીજી સ્થાપિત દેવો, મંદિરો તથા ગાદી સ્થાન પ્રત્યે અત્યંત નિષ્ઠા હતી. સાધુતાની મૂર્તિસમા દાસભાવે કોઇપણ વ્યકિતની સેવા કરવી એ તેમનો જીવનમંત્ર હતો.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી વિવેરસાગર સ્વામીએ જણાવ્યું હતું કે ગરુડ જેવા શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની પાંખમાં ઉછરેલા, ગુરુકુલના અનેક પ્રસંગોમાં અડીખમ ઉભા રહી, તન અને મનથી સેવા કરનારા એવા કોઠારી હરિજીવનદાસજી સ્વામી સત્સંગની નાનામાં નાની બાબતોની પણ છેલ્લે સુધી ખેવના કરતા.
હરિયાળા ગુરુકુલથી શાસ્ત્રી શ્રી ભકિતજીવનદાસજી સ્વામીએ જણાવેલ કે કોઠારી સ્વામી તો ગુરુકુલના પ્રહરિ હતા. શિષ્ય બનવું સહેલું છે પણ દાસભાવે રહી શિષ્યપણું ટકાવી રાખવું એ તો ખૂબજ કઠિન છે. પૂજ્ય કોઠારી સ્વામીએ સારધાર રહી, સેવકપણું નિભાવ્યું છે. તેમણે મમત્વ રાખી સંસ્થાની અને સત્સંગની ખૂબજ સેવા કરી છે.
પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ કોઠારી સ્વામીના નાનપણના પ્રસંગો તથા સત્સંગ પ્રવર્તનમાં તેમની સદાય તત્પરતાની વાતો જણાવી કહ્યું હતું કે તેમને સદાય હસતે ચહેરે કાર્ય કરી અનેકના મન જીતી લીધા હતા. તેઓ મૂર્તિમંત આદર્શ સંત હતા.
પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાસદાસજી સ્વામીએ જણાવેલ કે ગુરુકુલની શરુઆત પહેલાથી જ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ સાથે જોડાયા હતા. જીવનના અંત સુધી તેણે સંસ્થાની ખૂબજ સેવા કરી છે. દરરોજ પગે ચાલીને મંદિરે દર્શને જવું, ઘનશ્યામ મહારાજ માટે દરરોજ ગુલાબના હાર મોલકવા તે તેમનું નિયમ હતું. ભકતચિંતામણીમાં લખેલા સંતના જે ગુણો છે તે કોઠારી સ્વામીમાં હતા. સંસ્થાના દરેક પ્રસંગમાં તેઓએ અડિખમ ઉભા રહીને સેવા કરી છે. માનત સ્વામીનાએ આશીર્વાદથી કોઠારી સ્વામીને સત્સંગની સેવા માટે કાળને પણ રોક્યો હતો તે વિગતથી વાત કરી હતી.
આ પ્રસંગે પુરાણી ધર્મપ્રકાશદાસજી સ્વામી, શ્રી હરિભાઇ પટેલ, વગેરેએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શાસ્ત્રી પ્રેમસ્વરુપદાસજી સ્વામી, પી.સી.સ્વામી, પૂજ્ય ધર્મકિશોરદાસજી સ્વામી – કાળુપુર મંદિર, શાસ્ત્રી યજ્ઞપ્રિયદાસજી સ્વામી – બોપલ મંદિર, શાસ્ત્રી ધર્મપ્રિયદાસજી સ્વામી – વિરપુર, તેમજ રાજકોટથી પરશોત્તમભાઇ બોડા, ભરતભાઇ જોષી, જયંતીભાઇ કાચા, જગદીશભાઇ મકવાણા, હરિભાઇ વેકરિયા વગેરે ભાવિક હરિભકતો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થી અને કર્ણાટક રાજ્યના મુખ્ય જસ્ટિસ શ્રી ધીરજલાલ વાઘેલાએ પત્રથી પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Picture Gallery