પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીના અસ્થિ વિસર્જન : નર્મદા, (05 Feb 2017)
વરસો સુધી ગુરુકુલના હજારો બાળકોમાં સંસ્કારનું સિંચન કરનાર તેમજ ગામડે ગામડે સત્સંગ પ્રચાર કરી હજારો મુમુક્ષુઓને સદાચારને માર્ગે વાળનાર અને સૌરાષ્ટ્રના ૫૦ ઉપરાંત ગામડાંઓમાં મંદિરોનું નિર્માણ કરનાર સદ્ગુરુ પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીના અમદાવાદ ગુરુકુલમાં અક્ષરવાસ બાદ તેમના અસ્થિને નર્મદા મૈયાના જળમાં પધરાવવાનો વિધિ પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે તા. ૦૫ ફેબ્રુઆરી ૨૦૧૭ શ્રીહરિજયંતીના પવિત્ર દિવસે યોજાયો હતો.
અમદાવાદથી સંતો તથા ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ તથા જુદા જુદા સ્થળેથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હરિભકતોની હાજરીમાં નર્મદા મૈયાના કિનારે વૈદિક વિધિથી પવિત્ર ભૂદેવોના વૈદિક મંત્રગાન અને ભગવાનની ધૂન સાથે પૂજ્ય શ્રીહરિદાસજી સ્વામીના અસ્થિને નર્મદા મૈયાના જળમાં પધરાવવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલા પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ અ.નિ. પૂજય શ્રીહરિદાસજી સ્વામીને શ્રધ્ધાંજલિ આપતા ટેલિફોન દ્રારા જણાવ્યું હતુ કે જ્યાં આજે શ્રીહરિદાસજી સ્વામીના અસ્થિનું વિસર્જન થઇ રહેલ છે તે સ્થળે આજથી ૭૦ વર્ષ પૂર્વે ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ જે અનુષ્ઠાનનો સંકલ્પ કરેલ તે જુનાગઢમાં ૨૧ દિવસના મહા વિષ્ણુયાગ રુપે સિદ્ધ થયેલ, એવી આ નર્મદા સત્ય સંકલ્પ સરિતા છે.
શ્રીહરિદાસજી સ્વામીનો અક્ષરવાસનો દિવ્ય પ્રસંગ આપણા હૃદયમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને નિષ્ઠાને સુદ્રઢ કરાવે છે. અક્ષરધામ ગમન સમયે શ્રીહરિદાસજી સ્વામીના એક હાથમાં સત્સંગની શુભવાર્તાનું પુસ્તક હોય અને બીજા હાથમાં માળા હોય અને દિવ્ય દેહે ભગવાન શ્રી સ્વામિનારાયણ દર્શન આપી ધામમાં તેડી જાય આવો દિવ્ય પ્રસંગ આપણે અનુભવ્યો છે. આવુ અક્ષરધામ ગમન પવિત્ર સંતને જ સંભવે છે. સામાન્ય જીવનું આમાં કામ નથી. ખરેખર શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવેલ અને સાથે રહેલ સંતો અને હરિભકતોની સ્થિતિ ઉત્તમ કક્ષાની રહેલી છે.
પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ સૌરાષ્ટ્રના ૫૦ ઉપરાંત ગામોમાં મંદિરોનું નિર્માણ કરી કરાવી રાધારમણ દેવને અર્પણ કરેલ છે. વ્યવહારમાં ક્યારેય કોઇ ડાઘ લાગેલો નથી. તેઓ પોતે ધનથી સદા નિરાળા રહેલ છે. રાજકોટ સત્સંગ મંડળના જયંતીભાઇ કાચા, જગદીશભાઇ મકવાણા, પરશોતમભાઇ બોડા, ધનજીભાઇ પોકળ વગેરે યુવાનોએ નિષ્કામ ભાવે શ્રીહરિદાસજી સ્વામીના વચને ૫૦ મંદિરોના નિર્માણમાં તન, મન અને ધનથી ખૂબજ સેવા કરી છે. પોતાનું અયાચક વ્રત, નિઃસ્પૃહી જીવન, શાસ્ત્ર વાંચન, દૈનિક ક્રમ હતો. પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને પૂજ્ય જોગી સ્વામીજીના કૃપાપાત્ર આ સંત જ્યારથી ત્યાગાશ્રમની દિક્ષા લીધી ત્યારથી આજીવન એકવાર જ ભોજન કરતા.
પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીના અસ્થિ વિસર્જન – સોમનાથ, ત્રિવેણી સંગમ (20 Feb 2017)