Photo Gallery
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના પ્રેરણાત્મક જીવનને ઉજાગર કરતા, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા આલેખિત ધર્મજીવન ગાથા ગ્રંથના ભવ્ય વિમોચન બાદ ગુજરાતના મૂર્ધન્ય સાહિત્ય જગત વચ્ચે ધર્મજીવન ગાથા દ્વારા પ્રસારિત શ્રીજી મહારાજના સદ્વિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ સંદેશાઓ પ્રસ્થાપિત થાય તેવા શુભ હેતુથી, પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી તા. ૨૭ માર્ચ, ૨૦૨૨ના રોજ એસજીવીપી, અમદાવાદ ખાતે ધર્મજીવન સત્રનું આયોજન થયું હતું.
ધર્મજીવન સત્રના પ્રારંભ પહેલા, સમગ્ર ભારત દેશ જ્યારે આઝાદીના ૭૫ મા વર્ષે અમૃત પર્વ ઉજવી રહ્યો છે, ત્યારે એસજીવીપી ગુરુકુલના પ્રાંગણમાં ૭૫ ફૂટ ઉંચા સ્તંભ ઉપર દેશના રાષ્ટ્ર ધ્વજનું આરોહણ ગુજરાત રાજ્યના મહામહિમ રાજયપાલ શ્રી દેવવ્રત આચાર્યજી, પદ્મભુષણ સન્માનીત પૂજ્ય શ્રી સચ્ચિદાનંદજી મહારાજ (દંતાલી આશ્રમ), સંતો અને સાહિત્ય જગતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
ધર્મજીવન ગાથા એટલે કહી શકાય કે વેદ, ઉપનિષદ તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધિત સદ્વિદ્યા પ્રવર્તન, આધુનિક યુગમાં પ્રાચીન ગુરુકુલ શિક્ષાપદ્ધતિનું મહત્વ, સમરસતાપૂર્વક સર્વજીવહિતાવહ સેવા પ્રવૃત્તિ વગેરે ગ્રન્થનો પ્રાણ છે.
આ ધર્મજીવન સત્રમાં સત્રના અધ્યક્ષ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજી, અતિથિ વિશેષ પદ્મભુષણ સન્માનીત પૂજ્ય શ્રી સચ્ચિદાનંદજી મહારાજ, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સર્વશ્રી જય વસાવડા, રધુવીરભાઇ ચૌધરી, કુંદનભાઇ વ્યાસ (તંત્રીશ્રી, જન્મભૂમિ-પ્રવાસી, અમદાવાદ), કૌશિકભાઇ મહેતા (તંત્રીશ્રી, ફૂલછાબ, રાજકોટ), ભાગ્યેશ ઝા, રવિભાઇ ત્રિવેદી, શાહબુદ્દિનભાઇ રાઠોડ, કેશવજી દેસાઇ, રાઘવજીભાઇ માધડ, અરવિંદભાઇ બારોટ, જોરાવરસિંહ જાદવ, ચિત્રકાર કનુ પટેલ, નરેશ પટેલ, કવિયત્રી પારૂલબેન બારોટ વગેરે કવિઓ, સાહત્યકારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સ્વાગત પ્રવચન બાદ સુપ્રસિદ્ધ વક્તા શ્રી જય વસાવડાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે ગુરુકુલ સાથે તો મારો આત્મીય સંબંધ છે. જેમ સૂર્યને આપણે પ્રત્યક્ષ જોઇ શકતા નથી પણ તેના પ્રકાશને આપણે જોઇ શકીએ છીએ તેમ શાસ્ત્રીજી મહારાજને આપણે જોયા નથી પણ તેના પ્રકાશરુપ માધવપ્રિયદાસજી સ્વામીને આપણે પ્રત્યક્ષ નિહાળી રહ્યા છીએ, માધવપ્રિયદાસજી સ્વામીમાં મને ત્રણ ગુણ જોવા મળે છે એક દ્રઢ સંકલ્પ, ગુરુ પ્રત્યેની સંનિષ્ઠા અને વરસો સુધી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની સન્નિધિ.
સ્વામી માધવપ્રિયદાસજીએ જે ધર્મજીવન ગાથા લખી છે તે દસ્તાવેજી પુરાવા રૂપ છે કારણ કે શાસ્ત્રીજી મહારાજના પ્રસંગો-પ્રવૃતિઓને જાતે નિહાળેલ છે. ગુરુકુલ જીવન જીવવાની કળા શિખવાડે છે. ગુરુકુલ સદ્વિદ્યા સાથે સર્વજીવહિતાવહ કાર્ય કરે છે. ગુરુકુલ એતો આધ્યાત્મિક અને ભૌતિક વિદ્યાનો સંગમ છે.
જે ગ્રંથના વિમોચન પ્રસંગે ત્રણ-ત્રણ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા તે ધર્મજીવન ગાથાના ઉપક્રમે સાહિત્ય જગતના મૂર્ધન્ય સાહિત્યકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કથાકાર શ્રી ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ ઓન લાઇન જણાવેલ કે એસજીવીપી ગુરુકુલ સંસ્થા એ વિશ્વવ્યાપી સંસ્થા છે. શાસ્ત્રીજી મહારાજના કાર્યને માધવપ્રિયદાસજી સ્વામી અને બાલકૃષ્ણદાસજી સ્વામી સવિશેષ આગળ વધારી રહ્યા છે તે ગૌરવરૂપ છે. ભગવાનના ચરિત્રો જેટલા મહત્વના છે તેટલાજ મહાપુરુષોના ચરિત્રો પણ મહત્વના હોય છે. એટલા માટે ભાગવત પુરાણ કહેવાય છે. ધર્મજીવન ગાથા ગ્રન્થ તો ગુરુ ભકિતથી લખાયો છે.
આ પ્રસંગે મુંબઇ જન્મભૂમિના તંત્રી શ્રી કુંદનભાઇ વ્યાસે જણાવ્યું હતું કે આ ગુરુકુલમાં પ્રવેશતા મન પ્રફુલ્લિત થાય છે. સ્પષ્ટ ઉચ્ચાર સાથે ઋગ્વેગ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ બોલતા ઋષિકુમારોને પ્રત્યક્ષ નિહાળી મનમાં થયું કે જો હું પણ આવા ગુરુકુલમાં ભણ્યો હોત તો હું ક્યાં હોત !, ખરેખર માધવપ્રિયદાસજીસ્વામીએ સંસ્કૃત મહાવિદ્યાલય સ્થાપીને સમાજમાં મોટી ક્રાંતિ આણી છે.
સુપ્રસિદ્ધ સાક્ષર ભાગ્યેશ ઝાએ, સા વિદ્યા યા વિમુક્તયે – એ સૂક્તિને આજના સંદર્ભમાં મૂલવી, જ્ઞાને મૌનમ, ક્ષમા શકતૌ – એ શ્રેષ્ઠ મનુષ્યોની આગવી લાક્ષણિકતાને સમજાવી જણાવ્યું હતું કે મૃત્યુને તરવા માટે અવિદ્યા કહેતા આ લોકની વિદ્યાનું મહત્ત્વ છે અને મનુષ્ય જન્મની સાર્થકતા માટે વિદ્યાની જરૂરિયાત છે. આ ગુરુકુલમાં આ બંને વિદ્યાઓના સમન્વયથી સદ્વિદ્યાના સંસ્કાર દ્વારા પરિવાર, સમાજ અને દેશની સુખાકારી ઉપરાંત મનુષ્ય જીવનની સાર્થકતા અને પ્રગતિ સાથે કેમ જીવવું એ શીખવાડે છે.
આ પ્રસંગે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે આપણા શાસ્ત્રો – સર્વે ભવન્તુ સુખિનઃ – માં માને છે. દરેક સુખી થાય, કોઇ દૂઃખી રહે નહી. દરેકે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ કરવાના છે પણ માનવી અર્થ અને કામમાં ગૂંચવાઈ ગયો છે. શાસ્ત્રીજી મહારાજે સંપ્રદાયમાં રહીને શ્રીજી મહારાજના સદ્વિદ્યા પ્રવર્તન અને સર્વજીવ હિતાવહ સંદેશાઓને આત્મસાત કરી, વર્તનમાં ક્રિયાન્વિત કરી, ગુરુકુલ દ્વારા સંપ્રદાયને શિક્ષણ અને સમાજસેવાની નવી દિશા બતાવી છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગવર્નરશ્રી દેવવ્રવ આચાર્યજી એ જણાવેલ ગુરુકુલના પવિત્ર વાતાવરણમાં પ્રવેશતા મને ખૂબજ આનંદ થાય છે. જીવન જીવવાની કળા વેદમાં તો છે પણ અહિં ગુરુકુલમાં હું પ્રત્યક્ષ જોઇ રહ્યો છુ. ભૌતિક વિદ્યા કહેતા અવિદ્યાએ સાધન છે, આ લોકમાં સુખાકારી સાથે પરલોકની પ્રાપ્તિ એ સાધ્ય છે. સાધન વિના સાધ્ય પ્રાપ્ત થાય નહી. ગુરુકુલ એ બાળકોને આ જીવન જીવવાની કળા શીખવાડે છે. આજે ભરતભરમાં ૧૫૦ ઉપરાંત ગુરુકુલો કાર્યરત છે હજારો વિદ્યાર્થીઓ સંસ્કાર સભર શિક્ષણ લઇ રહયા છે.
આ પ્રસંગે આ પ્રસંગે શ્રી રઘુવીરભાઇ ચૌધરી, શ્રી ભાગ્યેશ ઝા, વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું, સભા સંચાલન હાસ્યકલાકાર જગદીશભાઇ ત્રિવેદી તથા નિસર્ગભાઈ આહિરે સંભાળ્યું હતું.