Photo Gallery
વર્તમાન યુગમાં પ્રાચીન ગુરુકુલ પરંપરાના પ્રણેતા પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના જીવનને કેન્દ્રમાં રાખીને એમના કૃપાપાત્ર શિષ્ય વિદ્વાન સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ છ ભાગમાં ઐતિહાસિક શ્રીધર્મજીવનગાથા નામના મહાગ્રન્થનું લેખન કરેલ છે.
જેમાં વેદ ઉપનિષદના સાર ઉપરાંત આધુનિક યુગમાં પ્રાચીન ગુરુકુલ શિક્ષાપદ્ધતિનું મહત્વ જણાય આવે છે તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત સદ્વિદ્યા પ્રવર્તન, સમરસતાપૂર્વક સર્વજીવહિતાવહ સેવા પ્રવૃત્તિઓ ગ્રન્થનો પ્રાણ છે.
આ મહાગ્રન્થના ભવ્ય સમર્પણ પ્રસંગે ઉપરોકત વિષયને કેન્દ્રમાં રાખીને શ્રી ધર્મજીવન સત્રનું રીબડા (રાજરોટ) ગુરુકુલ ખાતે આયોજન કરવામાં આવેલ.
તદ્ઉપરાંત SGVP ગુરુકુલ છારોડીના પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તા. ૧૨ એપ્રિલના રોજ અક્ષરધામમાં પધાર્યા. તેમનો અંતિમ સંસ્કાર વિધિ તેની ઇચ્છાથી ગઢપુર ઘેલા નદીના ઘાટ પર તા.૧૩ એપ્રીલના રોજ કરવામાં આવ્યો. ત્યારબાદ તેમના અસ્થિનું વિસર્જન નર્મદા કિનારે મુરલી સંગમ સ્થાને કરવામાં આવ્યું હતું. તેમની ગુણાનુવાદ સભા SGVP ગુરુકુલ રીબડા ખાતે રાખવામા આવી હતી.
સભાના પ્રારંભમાં ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થી અને કલાકાર વિનોદભાઇ પટેલે સંત મહિમાના કિર્તનો ગાયા હતા.
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે પુરાણી સ્વામી ભકિતપ્રકાશદાજી સ્વામી સાદા, સરળ અને બાળક જેવા નિર્મળ સ્વભાવના અને અજાતશત્રુ હતા. તેમને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે ગુરુભાવ હતો. તેમનું જીવન ભગવત પરાયણ હતું. દુન્યવી વાતો ગમતી નહી. પુરાણી સ્વામી દ્વારા ગુરુકુલ પ્રાંગણમાં થયેલ ૧૧૧૧ અગિયાર સો અગિયાર કુંડી યજ્ઞ તો વર્લ્ડ રેકર્ડ છે. સ્વામીનું જીવન સાદગી ભર્યું હતું, સંતોષી હતા. તેમનો સદાય હસતો ચહેરો હતો અને દરેક પ્રત્યે વાત્સલ્યભાવ હતો.
ગુરુકુલના ટ્રસ્ટી શ્રી મધુભાઈ દોંગાએ પણ પ્રાસંગિક ઉદ્બોધાનમાં પૂજ્ય પુરાણી સ્વામીના પ્રેરણા સભર પ્રસંગોને યાદ કર્યા હતાં.
આ પ્રસંગે જગદીશભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પુરાણી સ્વામી જવાથી ગુરુકુલને તો ખોટ પડી છે પણ સારાયે સંપ્રદાયને ખોટ પડી છે. પુરાણી સ્વામીના નામથી પ્રસિદ્ધ તેમજ યજ્ઞ-અનુષ્ઠાન પરાયણ એવા પુરાણી સ્વામી તો ભજનસ્મરણના આરાધક સંત હતા. સંતવર્ય ભકિતપ્રકાશદાસજી સ્વામી ઉત્તમ સંતને શોભે તેવું જીવન પૂર્ણ કરીને ભગવાન શ્રીહરિના ધામમાં સિધાવ્યા છે.
ધર્મજીવન સત્ર અંતર્ગત, દિલીપભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી તો વાત્સલ્ય મૂર્તિ હતા. તેઓને સંતો હરિભકતો પ્રત્યે વાત્સલ્યભાવ હતો. તેઓશ્રીએ ગામડાંઓના વિદ્યાર્થીઓમાં સંસ્કારની સરવાણી વહાવી છે. શાસ્ત્રીજી મહારાજે તો ગુરુકુલની પ્રાચીન સંસ્કૃતિને જીવંત કરી છે. શાસ્ત્રીજી મહારાજ શિક્ષણ જગતના વાત્સલ્યના વડલા હતા. તેઓ કીર્તિ અને કંચનથી વિરક્ત હતા. ગુરુકુળમાંથી સંસ્કાર લઇ હજારો વિદ્યાર્થીઓ દુનિયામાં ચોતરફ ફેલાયેલ છે
જેનું તાજેતરમાં વડાપ્રધાન નરેદ્ર ભાઇ મોદીના હસ્તે લોકાર્પણ થયેલ તે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી લિખિત ધર્મજીવન ગ્રન્થ અદભૂત છે. એ છ ભાગ વાંચવાથી વિચારવાથી અને જીવનમાં અપનાવવાથી આપણામાં પડેલ દોષો છે નાશ પામે છે.
આ પ્રસંગે સાક્ષર ભદ્રાયુભાઇ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે આ માધવપ્રિયદાસજી સ્વામી લિખિત ધર્મજીવનગાથાની તો પારાયણ થાય તો વધુ સારું. વળી જણાવ્યું હતું કે બીજાનું ભલુ કરવું એ જ ધર્મ છે. શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલના સંતોને અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવ્યા છે.
ધર્મજીવન ગ્રન્થના ભવ્ય સમર્પણ પ્રસંગે જેમની રાષ્ટ્રીય કક્ષાએ નામના છે એવા સાક્ષરો, લેખકો અને કવિઓનું પૂજ્ય સ્વામીજીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માનિત સાક્ષર મહાનુભાવો – ૧.જગદીશ ત્રિવેદી-હાસ્યકલાકાર અને સમાજ સેવક, ૨. ડો. ભદ્રાયુ વચ્છરાજાની – શિક્ષણવિદ અને લેખક, ૩. દિલીપ ભટ્ટ – લેખક અને વક્તા, ૪.સંજુ વાળા – કવિ, ૫.જ્વલંત છાયા – પત્રકાર લેખક, ૬. મિલન ત્રિવેદી – હાસ્યકલાકાર, લેખક, ૭.ગુણવંત ચુડાસમા – હાસ્યકલાકાર અને લેખક, ૮.ચંદ્રેશ ગઢવી – હાસ્યકલાકાર, ૯. રાજુ યાજ્ઞિક – અભિનેતા અને ઉદઘોષક, ૧૦. સંજય કામદાર – અભિનેતા અને ઉદધોષક, ૧૧. ભરત ત્રિવેદી- નાટ્ય દિગ્દદર્શક, ૧૨. તેજસ પટેલ – હાસ્યકલાકાર, ૧૩ દેવર્ષ ત્રિવેદી – રેડિયો કલાકાર, ૧૪. ડો.મનોજ – જોષી શિક્ષણવિદ-લેખક-ગાયક, ૧૫. અતુલ પુરોહિત – શિક્ષણ સમિતિ અધ્યક્ષ, ૧૬. પુજા તન્ના – કવયિત્રી સંચાલિકા.