ધન તેરસ, ધન્વન્તરી જયંતી, ૨૮ ઓક્ટોબર ૨૦૧૬ ના શુભ દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ, SGVP ગુરુકુલ, છારોડી ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની મંગલ ઉપસ્થિતિમાં SGVP તથા AAO – International ના સયુંકત ઉપક્રમે, આયુર્વેદ ઔષધીઓથી ધન્વન્તરી યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના શ્રેષ્ઠ વૈદ્યરાજો તથા આયુર્વેદમાં તૈયાર થઈ રહેલા અનેક યુવાન ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. SGVP ના પ્રાંગણમાં કરોડો રૂપિયાના ખર્ચે સાકાર થઇ રહેલ શ્રી જોગી સ્વામી હોલીસ્ટીક હેલ્થ સેન્ટરની ટુંક સમયમાં લોકાર્પણ વિધિ થશે તેને અનુલક્ષીને પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી એક હજાર એકસો અગિયાર શિરોધારાના વિશ્વ વિક્રમી પ્રયોગની જાહેરાત કરવામાં આવી હતી.
આજનું વિશ્વ અનેક પ્રકારના શારીરિક અને માનસિક રોગો અને માનસિક તનાવ અને ડીપ્રેશનથી પીડા અનુભવે છે, ત્યારે આયુર્વેદનો શિરોધારાનો પ્રયોગ માનસિક તણાવથી મુક્ત થવાનો અજોડ અને અકસીર ઈલાજ છે.
SGVP ના વિશાળ પરિસરમાં એક સાથે એક હજાર એકસો અગિયાર શિરોધારાનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ સર્જાશે અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો વૈશ્વિક સ્તરે પ્રચાર પસાર થશે.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ મંગલ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આજે આયુર્વેદ માટે જબરજસ્ત અવસર ઉભા થયા છે. સમસ્ત જગત અલ્ટરનેટીવ મેડીસીન તરફ વળી રહ્યું છે, ત્યારે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માનવજાત માટે ભારે આશીર્વાદ રૂપ થઇ શકે તેમ છે.
આયુર્વેદ માટે અવસરો ઉભા થયા છે, તો સામે પડકારો પણ એટલા જ છે. જે પડકારોનો સામનો આયુર્વેદ નિષ્ણાંતોએ વિવિધ પ્રયોગો દ્વારા કરવાના છે.
આધુનિક મેડીકલ સાયન્સમાં નિત્ય નવા સંશોધનો થતા રહે છે, તેમાં ન કલ્પી શકાય તેવા જીનેટિક સાયન્સનો વિકાસ થયો છે. આયુર્વેદ જગતે સંતોષ માની લેવાની જરૂર નથી. આયુર્વેદમાં પણ નીતનવા આવિષ્કારો થતા જ રહેવા જોઈએ. રાજ્ય તેમજ રાષ્ટ્રની સરકારોએ પણ આયુર્વેદના વિકાસ માટે ભરપુર સહાયતા કરવી જોઈએ.
આ પ્રસંગે વૈદરાજ તપનભાઈએ શિરોધારાનું મહત્વ સમજાવ્યું હતું. ઉનાના સુપ્રસિદ્ધ વૈદરાજ પાંચાભાઈ દમણીયા સાહેબે અનુભવસિદ્ધ રીતે જણાવ્યું હતું કે, અશ્વિનીકુમારના મંત્રો અને વિવિધ ઔષધિઓ દ્વારા થતા યજ્ઞથી કેન્સર જેવા રોગો પણ નાથી શકાય છે અને નાબુદ કરી શકાય છે.
આ પ્રસંગે SGVP કેમ્પસમાં અને ગુરુકુલ અમદાવાદમાં નિષ્કામ સેવા આપી રહેલા વૈદ્યરાજો નું પૂજન કરી સત્કાર કરવામાં આવ્યો હતો.
પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઉપસ્થિત તમામ વૈદ્યરાજોનો સંસ્થાવતી સત્કાર કર્યો હતો. સુપ્રસિદ્ધ વૈદ્યરાજોએ ટુંક સમયમાં ઉદઘાટીત થનાર શ્રી જોગી સ્વામી હોલીસ્ટીક સેન્ટરમાં પોતાની બહુમૂલ્ય સેવા આપવાનો શુભ સંકલ્પ કર્યો છે.
આ પ્રસંગે આયુર્વેદના ડૉ. દેવેન્દ્રભાઈ શાહ, રાજવૈદ્ય હીરુભાઇ (નડિયાદ), ડૉ. પ્રવિણભાઈ હિરપરા, ડૉ. પ્રવિણભાઈ દેશમુખ (નાસિક), ડૉ. ફાલ્ગુનભાઈ પટેલ, વૈદ્ય સંજયસિંહભાઈ ચાવડા, ડૉ. હિતેનભાઈ વાંઝા, વૈદ્ય હિતેન્દ્રભાઈ ગોહેલ, ભાવેશભાઈ જોષી વગેરે સુપ્રસિદ્ધ વૈદ્યરાજોએ હાજરી આપી હતી.