Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

દિવાળી ઉત્સવ, ૨૦૧૪

દીપાવલી ઉત્સવ : ધન તેરશ – અનંત ચતુર્દશી – દિવાળી – નવું વર્ષ – ભાઈ બીજ

ધન તેરશ : ધન શુદ્ધિ અને ધન્વન્તરી પૂજનનો દિવસ ૨૧ ઓક્ટોબર ૨૦૧૪ 

દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે જે રત્નો સમુદ્રમાંથી આજના દિવસે પ્રાપ્ત થયા તેમાંના એક લક્ષ્મીજી અને બીજા ધનવન્તરી ભગવાન. લક્ષ્મીજીને ધન,વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. જ્યારે ભગવાન ધનવન્તરીને સ્વાસ્થ્યના દેવતા માનવામાં આવે છે.

આ પાવનકારી દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ છારોડી એસજીવીપી ખાતે ગુજરાતભરના મોટી સંખ્યામાં વૈદ્યોએ સજોડે પૂજનમાં બેસી ધનવન્તરી યજ્ઞમાં જોડાયા હતા.
આ યજ્ઞમાં જુદી જુદી ઔષધિઓ, ઘી, જવ, તલ, એલચી, તજ, જટામાસી, તગર, સુગંધી વાળો, ચંદન, ગુગળ, કપૂર તેમજ અન્ય જડીબુટ્ટીઓની વૈદિક મંત્રોના ગાન સાથે આહુતિઓ આપવામા આવી હતી.આ યજ્ઞ ચિકનગુનિયા, ઓરી, અછબડા, વાયરલ ફિવર, શરદી ઉધરસ, જેવી બિમારીઓનો પ્રતિકાર કરવાની ક્ષમતા વધારે છે. યજ્ઞમાં થતા મંત્રોચ્ચારના આંદોલનોના પ્રભાવથી મનની નિર્બળતા, ઉદ્વેગ-ચિંતા, હતાશા દૂર થાયછે અને મનને શાંતિ મળે છે. ધન્વન્તી યજ્ઞની ધુમ્રસેરો વાતાવરણને પવિત્ર કરે છે. ધનવન્તરી યજ્ઞનો અગ્નિ તન, મન અને ચૈતન્યને અનોખી ઉર્જા અર્પણ કરે છે.

યજ્ઞની પૂર્ણાહૂતિ બાદ યજ્ઞશાળામાં ગુજરાતના નામાંકિત વૈદ્ય ભાઇ બહેનોની વિશાળ સભા યોજાઇ હતી. આ પ્રસંગે સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે આટલી મોટી સંખ્યામાં વૈદ્યો -ભાઇઓ અને બહેનો એકઠા થયા જોઇ અત્યંત આનંદ થયો છે. ખરેખર આપણે આજે જે ધનવન્તરી યજ્ઞ કર્યો તેનાથી તેની સેર ચારે બાજુ વાતાવરણને પવિત્ર કરે છે. દરેક વનસ્પતિમાં દેવોનો વાસ છે. આયુર્વેદ સંપૂર્ણ વિજ્ઞાન છે જે તનમનને નિરોગી રાખી ચૈતન્યને પ્રફુલ્લિત કરેછે.
આયુર્વેદમાં ઔષધિઓનો નક્ષત્રો અને દેવતાઓ સાથે સુક્ષ્મ અને દિવ્ય સંબંધ છે. નવા નવા સંશોધનો થતાં રહે એજ સાચી ધનવન્તરી પૂજા અને યજ્ઞ છે. ઋષીમુનીઓના આ અદ્ભુત વિજ્ઞાનમાં મંત્ર સાથે ઔષધિઓનો સમન્વય કરીને સંશોધનો અને આવિષ્કારોનું વિશાળ ફલક આપણે ખેડવાનું છે અને સમાજને તેના લાભ મળે તેવા પ્રયત્નો કરવાના છે.
આજે ધનતેરસનો દિવસ એટલે ધન શુદ્ધિનો દિવસ છે. પ્રાપ્ત થયેલ સંપત્તિનો સારા કામમાં ઉપયોગ થાય અને દીન-દરિદ્રનારાયણ અને અબોલ પ્રાણીઓની સેવામાં વપરાય એ સાચી ધન શુદ્ધિ છે.

અનંત ચતુર્દશી (કાળી ચૌદશ) : શ્રી હનુમાનજીના પૂજનનો દિવસ  ૨૨ ઓક્ટોબર ૨૦૧૪

ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર આજના દિવસે શ્રી હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે. આજનો દિવસ હનુમાનજીના પ્રભાવનો દિવસ છે. મલીન મંત્ર – તંત્રના તામસ પ્રધાન ઉપચારોથી રક્ષણ કરી ભગવાનમાં દ્રઢ નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે.

એસજીવીપી ખાતે શ્રી હનુમાન ગઢીમાં હનુમાનજીનું ષોડશોપચાર પૂજન સાથે હનુંમત યાગ કરવામાં આવ્યો હતો.
 
દીપાવલી : ચોપડા પૂજન અને દીપોત્સવી ૨૩ ઓક્ટોબર ૨૦૧૪
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર ખાતે દિવાળીના શુભ પર્વે શાસ્ત્ર વિધિ પ્રમાણે ચોપડા પૂજન , લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે પ્રામાણિકતા એજ સાચું લક્ષ્મી પૂજન છે અને સત્કાર્યમાં વપરાય એજ લક્ષ્મી સાર્થક છે.

ત્યાર બાદ અન્નકૂટ દર્શનની આરતી પૂજ્ય સ્વામીજીએ ઉતારી હતી અને અન્નકૂટનો પ્રસાદ ગરીબ વિસ્તારોમાં વહેચવામાં આવ્યો હતો.

Achieved

Category

Tags