શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરંપરાના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના કૃપાપાત્ર અને જમણા હાથ સમાન, વાત્સલ્ય મૂર્તિ, પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની જન્મભૂમિ અમરેલી જિલ્લાના ખડખડ ગામે આજથી દસ વર્ષ પૂર્વે નૂતન હરિમંદિર તૈયાર થયેલ. તે મંદિરના દશાબ્દિ વર્ષમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામિની પ્રેરણા તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે ૧૧-૧૩ મે ૨૦૧૬ દરમ્યાન ત્રિદિનાત્મક દશાબ્દિ મહોત્સવ ઉજવાયો હતો.
આ દશાબ્દિ મહોત્સવમાં, નિષ્કુળાનંદ સ્વામી રચિત ભકતચિંતામણી ગ્રન્થની કથા સાથે સમૂહ મહાપૂજા તથા અન્નકૂટોત્સવ ઉજવાયો હતો. કથાના વક્તા તરીકે મંદિરના નિર્માણકર્તા પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી સાથે શાસ્ત્રી મુનિવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રુતિવલ્લભદાસજી સ્વામીએ કથાવાર્તાનો લાભ આપ્યો હતો.
કથા પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તો ગુરુકુલની માતા સમાન હતા. અત્યાર સુધીમાં જે કોઇ સંતોએ ગુરુકુલમાં ભાગવતી દિક્ષા ગ્રહણ કરેલ છે તે પૂજ્ય પુરાણી સ્વામીના પ્રતાપે છે. નિસ્વાર્થ પ્રેમની મૂર્તિ એટલે પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી. તેમની સ્મૃતિમાં આ દશાબ્દિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.
આ ભકતચિંતામણી ગ્રન્થ ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રમાણિત થયેલો છે. નિષ્કુળાનંદ સ્વામી ભકતચિંતામણી ગ્રન્થમાં લખે છે કે આ ભકતચિંતામણી ગ્રન્થનો પાઠ કરવાથી સર્વ પ્રકારે આધિ વ્યાધિ અને ઉપાધિનું શમન થઇ જાય છે. અને પરમ શાંતિનો અનુભવ થાય છે.
આ મહોત્સવમાં આટકોટ, હરિયાણા, જુનાગઢ, વડિયા, અમરેલી વગેરે સ્થાનોથી સંત મંડળ સાથે મોટી સંખ્યામાં સંતોએ પધારી કથાવાર્તાનો લાભ આપ્યો હતો.
મહોત્સવના વિવિધ આયોજનમાં યજમાન પદે હિરપરા પરિવાર તથા દુધાત પરિવારે લાભ લીધો હતો.
Glimpses