જળ ઝીલણી મહોત્સવ – ગુરુકુલ દ્રોણેશ્વર
ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમજ નંદસંતોએ પ્રવર્તાવેલી ઉત્સવ પરંપરાઓથી આપણા જીવનમાં સદાચાર અને પ્રેમભક્તિની નિર્મળ ભાવનાઓને પોષણ મળતું રહે છે.
પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય જોગી સ્વામીએ નાઘેર પંથકમાં ગામડે ગામડે ફરીને સત્સંગ નવ પલ્લવિત રાખેલ છે. સાથે સાથે ઉજવાતા ઉત્સવોની પરંપરા પણ જાળવી રાખી છે.
આ પ્રદેશમાં આજથી પાંચેક હજાર વર્ષ પૂર્વે પાંડવ ગુરુ દ્રોણાચાર્યજી મહારાજે મચ્છુ નદીના કિનારે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આજે પણ મહાદેવજીના મસ્તક ઉપર અવિરત જળધારા વહી રહી છે.
નાઘેર પંથકનો પરંપરાગત ઉત્સવ એટલે જળઝીલણી મહોત્સવ. આ ઉત્સવમાં નાઘેર પંથકના પચાસેક ગામડાંઓમાંથી ભાવિકો ઉમટતા હોય છે.
વિદેશ વિચરણ કરી રહેલ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં નદીને કિનારે જળઝીલણી મહોત્સવ ખૂબજ ધામધુમથી ઉજવાયો હતો.
કાર્યક્મ પહેલા વહેલી સવારે ફાટસર મંદિરથી ભવ્ય ઠાકોરજીની શોભા યાત્રા નીકળી હતી. જેમાં દૂર દૂર ગામડાંના ભકતો ટેક્ટરો શણગારી શોભાયાત્રામાં જોડાયા હતા.
પહેલા હોડીમાં ઠાકોરજીને પધરાવી વડિલ સંતો દ્વારા ચાર આરતિ ઉતારવામાં આવી હતી.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ ટેલિફોનીક આશીર્વાદ પાઠવતા જણાવવું હતું કે ખરેખર મચ્છુન્દ્રી નદીને કિનારે અને એય દ્રોણેશ્વર મહાદેવજીની સાનિધ્યમાં જલઝીલણી મહોત્સવ માણવો એ મહદ ભાગ્ય છે. ખરેખર આ નાઘેર પંથક મહાતીર્થ રુપ છે. આ તીર્થરૂપ ભૂમિના આપણા ગામડાઓ, શેરીઓ આભલા જેવા સ્વચ્છ રહેવા જોઈએ. સ્વચ્છતા અને સુઘડતા એ ભક્તનું પહેલું લક્ષણ છે.