Photo Gallery
ઉના પાસે શ્રી દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યમાં, મારુતીધામમાં બીરાજીત કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તો તથા ગુરુકુલની તમામ શાખાના સંતોની ઉપસ્થિતિમાં જળઝીલણી મહોત્સવ આનંદસભર ઉજવાયો હતો.
પ્રારંભમાં સવારે ૦૯:૦૦ વાગ્યે દ્રોણેશ્વર ગુરુકુલથી સભાસ્થાન સુધી ભવ્ય ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સંતો, હરિભક્તો, ગુરુકુલની બે રાસમંડળી જોડાઈ હતી.
દરમ્યાન સભા સ્થાને સાંખ્યયોગી બહેનોની ઉપસ્થિતિમાં દ્રોણેશ્વર ગુરુકુલની વિદ્યાર્થિનીઓએ વિવિધ યોગાસનો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.
શોભાયાત્રા બાદ પ્રારંભમાં મચ્છુન્દ્રી નદીનું વેદોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું, આ પૂજનમાં સંતો ઉપરાંત ગુરુકુલના ટ્રસ્ટી શ્રી નવીનભાઈ દવે, નિવૃત જજ શ્રી ઢોલરિયા સાહેબ, શ્રી વિપુલભાઈ ગજેરા વગેરે ટ્રસ્ટીશ્રીઓ અને મહાનુભાવો જોડાયા હતા. ત્યારબાદ ઠાકોરજીને હોડીમાં પધરાવી પ્રથમ આરતી કરી હતી, ત્યારબાદ કોઠારી શ્રી ધર્મનંદનદાસજી સ્વામીયે જળઝીલણી ઉત્સવ તથા પરિવર્તીની એકાદશીના અર્થ સહિત પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
મંચસ્થ મહાનુભાવોએ આગામી વર્ષનાં વાર્ષિક કેલેન્ડરનું વિમોચન કર્યું હતું.
આફ્રિકા સત્સંગ વિચરણ કરી રહેલા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ટેલિફોન દ્વારા આશીર્વાદ આપતા જણાવ્યુ હતું કે, દ્રોણેશ્વર અતિ પ્રાચીન તીર્થ છે, આ તીર્થમાં વર્ષોથી મેળો ભરાય છે, પરંતુ ૩૨ વર્ષ પહેલા પૂજ્ય. જોગીસ્વામીએ આ મેળાને જળઝીલણી ઉત્સવમાં ફેરવી નાખ્યો છે.
આપણો ભારત દેશ ઉત્સવપ્રિય દેશ છે. ઉત્સવોએ આપણી ભારતીય સંસ્કૃતિ જાળવી રાખી છે, આજે ચારે બાજુ દાવાનળ સળગી રહ્યો છે ત્યારે આવા ઉત્સવો આપણને શાંતિ આપે છે. આજે જ્યારે નાઘેર પંથકના ગામે ગામથી હજારો હરિભક્તો ઉપસ્થિત છે ત્યારે આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળીએ, ગામને સ્વચ્છ રાખીયે અને વૃક્ષો વાવીને આપણે આપણી નાઘેરને હરિયાળી બનાવીએ.
દ્રોણેશ્વર ગુરુકુલના વિધાર્થીઓએ સોરઠી રાસ તથા મણિયારો રાસ રજૂ કર્યા હતા.
આ પ્રસંગે શ્રી નવીનભાઈ દવેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તથા ભંડારી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજીએ પ્રાસંગિક ઉદબોધન કરી સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.
અંતમાં ઉત્સવમાં આવેલ સર્વે ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો.