ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને એસજીવીપી ગુરુકુલના સંયુકત ઉપક્રમે, મુંબઇ જન્મભૂમિ દૈનિકપત્રના તંત્રી શ્રી કુંદનભાઇ વ્યાસના પુસ્તકો (દિલ્હી દરબાર – નહેરુથી માંડીને નરેન્દ્ર મોદી સુધી (ભાગ ૧ અને ૨) તથા એક પત્રકારની વ્યવસાય યાત્રા) નામક ત્રણેય પુસ્તકો વિષે ગ્રંથ વિમર્શ ગોષ્ઠીનું આયોજન ૩૦ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ એસજીવીપી ગુરુકુલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ ગ્રંથ વિમર્શ ગોષ્ઠી, ગુરુકુલના અધ્યક્ષ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિમાં તેમજ ગુજરાત રાજ્યના સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રીભાગ્યેશ જહા, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી કુમારપાળભાઇ દેસાઇ, ગુજરાત યુનિ. અમદાવાદના પૂર્વકુલપતિ શ્રી નરેશભાઇ વેદ તેમજ જાણીતા હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગર ઉપરાંત ગુજરાતી સાહિત્યના નામાંકિત સાક્ષરોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આદરણીય કુંદનભાઇને સમાજ તરફથી જે પ્રેમ અને હૂંફ પ્રાપ્ત થયા છે તેના ખરા અભિનંદનના અધિકારી તો કુંદનભાઇના અર્ધાંગના ભારતીબેન છે, ખરેખર તો તેઓનું પણ સન્માન કરવું જોઇએ. વિશેષમાં, પત્રકાર તો તટસ્થ, મધ્યસ્થ અને સત્યસ્થ હોવો જોઇએ તે વાત કરી રાજકોટના દૈનિકપત્રોના તંત્રીઓ, શ્રી બાબુભાઇ શાહ અને શ્રી યશવંતભાઇ અને શ્રી પ્રદીપભાઇને પણ યાદ કર્યા હતા. ખરેખર પ્રજાના હ્રદયમાં રમતી વાતોને જે પ્રકાશિત કરે તે ખરો પત્રકાર છે. કુંદનભાઇ ખરા સત્યનિષ્ઠ અને નીડર પત્રકાર છે. કુંદનભાઇએ સમાજના દુઃખ દર્દને ફક્ત વાચા જ નથી આપી પણ જરૂરી મદદ કરી દુઃખ દર્દને દૂર પણ કર્યા છે.
આ પ્રસંગે સર્વશ્રી ભાગ્યેશ જહા, કુમારપાળભાઈ દેસાઇ, રતિલાલ બોરીસાગર, નરેશભાઇ વેદે ગ્રંથ વિમર્શ કરતાં જણાવ્યું હતું કે, પત્રકાર પોતે સત્ય શોધક હોવો જોઇએ જે કુંદનભાઇએ કરી બતાવ્યુ છે. (શ્રી ભાગ્યેશ જહા), મહર્ષિ વેદ વ્યાસની જેમ કુંદનભાઈ વ્યાસનું આલેખન નિષ્પક્ષ રહ્યુ છે અને આ તેની મોટામાં મોટી સાહિત્ય સેવા છે, જેમાંથી નવી પેઢીને ઘણું શીખવાનું મળશે. (શ્રી કુમારપાળભાઈ દેસાઇ), નવનિર્માણ અને કટોકટી વગેરે બાબતો ઉપર દિલ્હી દરબાર દ્વારા કુંદનભાઇ વ્યાસે સુપેરે પ્રકાશ પાડ્યો છે.(શ્રી નરેશભાઇ વેદ), કુંદનભાઇ વ્યાસનું નામ અને અટક સાર્થક છે, જે રીતે સર્વગ્રાહી નિરુપણ વ્યાસ ભગવાને મહાભારતમાં કરેલ છે તે રીતને ધ્યાનમાં લઇને કુંદનભાઇએ નિરુપણ કરેલ છે.(શ્રી રતિલાલ બોરીસાગર)
આ પ્રસંગે શ્રી કુંદનભાઇ વ્યાસે જણાવ્યુ હતુ કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. જે પ્રજા ઇતિહાસ યાદ રાખી શકે નહીં તે ઇતિહાસ બનાવી પણ શકે નહી. ખરેખર જે આનંદ પદ્મ પુરસ્કાર મળવાથી મળે છે તેથી વધારે આનંદ અને સંતોષ મને આજે મળેલ છે.
આ પ્રસંગે ફૂલછાબના પ્રૂર્વ તંત્રી શ્રી કૌશિકભાઇ મહેતા વગેરે સહિત મોટી સંખ્યામા સાક્ષરો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. સભા સંચાલન નિસર્ગભાઇ આહિરે કર્યુ હતું અને આભાર દર્શન ગુરુકુલના સંત ડો. યજ્ઞવલ્લભદાસજી સ્વામીએ કર્યું હતું.