Photo Gallery
સદ્ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ અર્વાચીન સમયમાં ગુરુકુલની સ્થાપના દ્વારા સમાજલક્ષી, મૂલ્યનિષ્ઠ અને યુગો સુધી સફળ રહેલી પ્રાચીન શિક્ષણ પદ્ધતિની પરંપરા શરૂ કરી, સાથે સાથે કેવળ કરુણાના ભાવ સાથે અનેકવિધ સામાજિક સેવાપ્રવૃત્તિઓના પ્રવર્તક બની ભગવાન શ્રી સ્વામિનારાયણના સદવિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ સંદેશાઓને વિશ્વવ્યાપી બનાવ્યા.
તેમના આ મહાયજ્ઞમાં તેમની સાથે પૂજયપાદ બ્રહ્મનિષ્ઠ શ્રી જોગી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય નિરાન્નમુક્તદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી જેવા અનેક સંતોએ પોતાના જીવન સમિધ હોમી દઈ શ્રીજી મહારાજ સ્થાપિત મોક્ષમૂલક સત્સંગ પરંપરાઓનું સંવાહન અને સંવર્ધન કર્યું અને ભવિષ્યની પેઢીઓ માટે મોક્ષમાર્ગે પથદર્શક પરંપરા શરૂ કરી. એજ પરંપરાને ગુરુકુલ પરિવારના ગુરુસ્થાને વિરાજમાન ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સાથે પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને સંતોએ વિશ્વ ફલક ઉપર સમાજના દરેક વર્ગ સુધી વિસ્તારી છે, જેના અમૃતફળ સારોએ સત્સંગ, મુમુક્ષુઓ, દૈવી –ભાવિક જાણો અને સમાજના અનેક વર્ગો અનુભવી રહ્યા છે. ગુરુ પૂર્ણિમા એ આ સદગુરુઓના ક્યારેય ચૂકવી ન શકાય એવા ઋણને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી વંદના કરવાનો દિવસ છે.
અષાઢ સુદ પૂર્ણિમા, તા. ૧૩ જુલાઇ, ૨૦૨૨ના રોજ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, એસજીવીપી ખાતે ભવ્યાતિભવ્ય રીતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો.
પ્રારંભમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેમની પ્રસાદીભૂત ચાંખડીના પૂજન બાદ ગુણાતીત પરંપરાના શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય બ્રહ્મનિષ્ઠ શ્રી જોગી સ્વામી વગેરે સદ્ગુરુ સંતોની ચિત્ર પ્રતિમાને હાર પહેરાવી વડિલ સંતોએ પૂજન કર્યું હતું.
રબાદ ગુરુકુલ પરિવારના ગુરુસ્થાને વિરાજમાન પૂજ્ય સ્વામીજીને ગુરુકુલ પરિવારના તમામ સંતોએ હાર પહેરાવી ગુરુપૂજન કર્યું હતું. દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધ્યાપકોએ વૈદિક પૂજન કર્યું હતું. સાથે સાથે ગુરુકુલના શ્રી નવિનભાઇ દવે, જજ શ્રી ઢોલરિયા સાહેબ, વગેરે ટ્રસ્ટીશ્રીઓ અને સૌરાષ્ટ્ર, કચ્છ, રાજકોટ, મુંબઈ, હૈદરાબાદ, વગરે સ્થાનોમાંથી આવેલ અગ્રગણ્ય હરિભક્તોએ પૂજ્ય સ્વામીજીને હાર પહેરાવી ગુરુ પૂજન કર્યું હતું.
ગુરુ પૂર્ણિમાનો મહિમા સમજાવતા માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ગુરુના ગુરુ તો ભગવાન નારાયણ છે.
ગુરુપૂર્ણિમા એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું પર્વ.
ભગવાન વેદવ્યાસે શ્રીમદ્ ભાગવત આદિ અઢાર પુરાણો અને મહાભારત આદિ ઇતિહાસની રચના કરી અને વેદના ચાર વિભાગ કરી ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ કરી વિશ્વગુરુના સ્થાને મૂકી છે. એવા વેદ વ્યાસ ભગવાનના ઉપકારને ભારતીય પ્રજા ક્યારેય પણ ભૂલી શકે તેમ નથી.
સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીના પદના આધારે ગુરુનો મહિમા સમજાવતા સ્વામીજીએ કહયું હતુ કે ગુરુના કાર્યને આપણે આગળ ધપાવે એ જ ખરેખર ગુરુ પૂજા છે. મનુષ્યએ જીવનમાં સાત ગુરુને કદિ ભૂલવા જોઈએ નહીં તેમાં પ્રથમ ગુરુ માતા પિતા છે. બીજા ગુરુ બાળકના જન્મ સમયે મદદ કરનાર દાયણ છે. ત્રીજા ગુરુ નામ પાડનાર છે, અક્ષરજ્ઞાન આપનાર ચોથા ગુરુ છે. પાંચમાં ગુરુ કંઠી બાંધનાર અને છઠ્ઠા ગુરુ સંત છે, જે સંત યોગમાં આવેલ જીવને શુદ્ધ કરી પરમપિતા પરમાત્માના હાથમાં સોંપે છે. અને સાતમાં ગુરુ ભગવાન છે.
આ પ્રસંગે પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે માતા પિતા આપણને દેહ આપે છે જ્યારે સાચા સદગુરુ આપણને જીવનની સાચી દિશા બતાવે છે.
આ પ્રસંગે જયદેવભાઈ સોનાગરાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. તેમજ વૈજ્ઞાનિક જે. જે. રાવળ સાહેબનું બહુમાન કરવામાં આવ્યું હતું. જાણીતા ડો. ચિંતન મહેતાના કંઠે પરંપરાગત ઢાળમાં ગવાયેલ ‘ગુનીજન ગાવત’ એ આલ્બમનું વિમોચન કરવામાં આવ્યું હતું. ગુરુદેવ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના ગુરુકુલ સ્થાપન અપૂર્વ સેવા કાર્યમાં આજીવન સહયોગ આપનાર કવિવર શ્રી ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસના પુત્રી શ્રી લીલાબહેન રચિત ‘વચનામૃત સરળ વાચના’ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.