શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અમદાવાદ ખાતે તારીખ ૨૨ જુલાઇના રોજ અનેરા ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવ પૂર્ણ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગુરુમહિમાના ભક્તિપદોના ગાન સાથે પ્રારંભ થયેલ ઉત્સવમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ વેદમંત્રોના ગાન સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન કરી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા અખંડ ભગવદ્ પરાયણ પૂજ્યપાદ જોગી સ્વામીની પ્રતિમાનું ભાવપૂજન કર્યું હતું.આજ રોજ વિદેશ યાત્રાથી પધારેલા સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીનું પૂજન સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સહુ સંતોએ કર્યું હતું. ત્યારબાદ સદ્ગુરુ પૂજન માટે પધારેલા દરેક હરિભકતોએ શ્રીફળ-સાકર તેમજ ફૂલ, કાજુ, બદામ, કિસમિસ, ચોકલેટ, મમરા, મગફળી, તલ, વગેરે વસ્તુઓના હાર બનાવી ભાવથી પૂજ્ય સ્વામીજીનું પૂજન કર્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ શુભાશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે “ગુરુના માર્ગદર્શન પ્રમાણે, તેમણે ચીંધેલા માર્ગે ચાલવાથી આ ભવસાગર તરવો ખૂબ સરળ બની જાય છે.” પરમ પૂજ્ય સ્વામીજીએ પૂજ્ય હરિસ્વરુપ સ્વામીના સંકલ્પાનુસાર ‘ઓરા આવો શ્યામ સ્નેહી’ના આઠ પદોનું મહાત્મ્ય કહી ચાતુર્માસમાં ગુરુકુલ પરિવારને આ પદોનું નિત્ય ગાન કરવાના નિયમો આપ્યા હતા. પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ પણ સહુ ભક્તજનોને શુભાશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે ગુરુકુલના સર્વે ટ્રસ્ટીઓ તથા મુંબઇ, સુરત, રાજકોટ, ઉના, ભૂજ, વડોદરા, અંકલેશ્વર, અમદાવાદ વગેરે સ્થાનોથી ગુરુકુલ પરિવારના ભક્તજનો ગુરુપૂજન માટે ઉપસ્થિત રહ્યા હતા. નોંધ – ગુરુકુલ પરિવાર દ્વારા ચાતુર્માસમાં ‘ઓરા આવો શ્યામ સ્નેહી’ આ આઠ પદોનું નિત્ય ગાન કરવાના નિયમો લેવાય રહ્યા છે. આ નિયમોમાં જોડાનાર ભક્તજનોએ લીધેલ નિયમની નોંધ ગુરુકુલમાં કરાવવી.
વ્યાસ પૂજન તથા મહાવિષ્ણુ યાગ
ગુરુ પૂર્ણિમા – વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વે ભારતીય સંસ્કૃતિના વિરલ જ્ઞાન વારસાના પ્રવર્તક ભગવાન શ્રી વેદ વ્યાસ અને મોક્ષ મૂલકજ્ઞાન રાશી સમાન ચારેય વેદ તેમજ ભગવાન વ્યાસ રચિત અઢાર પુરાણોનું વેદ શાળા માં શાસ્ત્રોક્ત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. અને શ્રી વિષ્ણુયાગમાં વૈદિક સ્તોત્રોના ઉદ્ઘોષ સાથે આહુતિઓ આપવામાં આવી હતી. પૂજ્ય સ્વામીજીએ ભારતીય સંસ્કૃતિમાં ભગવાન વ્યાસના મહત્વપૂર્ણ યોગદાન ની સમજણ આપી હતી.
લંડનમાં ગુરુ પૂર્ણિમા
ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં લંડન માં ગુરુકુલ પરિવારના ભક્જનોએ ગુરુ પૂજનનો લાભ લીધો હતો. પૂજ્ય સ્વામીજીએ ભગવાન શ્રી હરિ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને સદ્ગુરુઓનું પૂજન કરી, મનુષ્ય જીવનમાં સદ્ગુરુના કરુણાપૂર્ણ ઉપકારોની વાત કરી હતી. વિદેશની ધરતી પર પણ ભારતીય સંસ્કારો અને પરંપરાઓનું ભાવ પૂર્ણ જતન અભિનંદનીય છે.
Picture Gallery