Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

ગુરુપૂર્ણિમા મહોત્સવ, ૨૦૧૪

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ અમદાવાદ ખાતે અનેરા ઉત્સાહ, ઉમંગ ને ભક્તિભાવ પૂર્ણ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરુઆતમાં ગુરુ મહિમા અંગેના કિર્તનોની રમઝટ બાદ મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ ગુરુ વંદનાનું ભાવવાહી નૃત્ય રજુ કર્યું હતું. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારારયણની ચરણ પાદુકા તેમજ ગુરુદેવ શાસ્ત્રીજી  મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પૂજ્ય જોગી સ્વામીની પ્રતિમાને ચંદનની અર્ચા કરી પૂજન કર્યું હતું.

હજારો ભાવિકોની હાજરીમાં ઉજવાયેલ આ મહોત્સવમાં સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ વિશાળ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતીય પરંપરામાં ગોવિન્દ સુધી લઇ જનાર ગુરુનું અનેરું મહત્ત્વ છે. ભારતીય સંસ્કૃતિના આદર્શ સમા ગુરુજનોના ભાવપૂજન સાથે ‘ગુરુદેવ ભવ’ની સાંસ્કારિતા જીવંત રાખતો વ્યાસ પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા. ભારતમાં પશ્ચિમના વાયરા વાઇ રહ્યા છે તો પણ ‘માતૃદેવો ભવ’  ‘પિતૃદેવો ભવ’ ‘આચાર્ય દેવો ભવ’ ‘અતિથિ દેવો ભવ’ ના સંસ્કારો જીવંત છે.

પૂજન બાદ પૂજ્ય સ્વામીજીએ જણાવેલ કે આજે ખરેખર વ્યાસ પૂજનનો દિવસ છે જેને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. આપણી ભાવનાની ચેતનાને ઉજાગર કરવાનો આજે દિવસ છે. વ્યાસ ભગવાને દુનિયાનો સર્વ શ્રેષ્ઠ ગ્રન્થ વેદની પ્રતિષ્ઠા કરી છે. વેદ તો ભગવાન નારાયણની પરાવાણી છે. આવા મહા ગ્રન્થની પ્રતિષ્ઠા  કરનાર વેદ વ્યાસને યાદ કરવાનો દિવસ એટલે વ્યાસ પૂર્ણિમા. વેદ વ્યાસે અઢાર પુરાણની રચના કરીને ભારતીય સંસ્કૃતિને ઉજ્જવળ અને કિર્તીમાન બનાવી છે. વિશ્વનું શ્રેષ્ઠ દર્શન હોય તો તે વ્યાસ દર્શન છે. આ દિવસ ભારતીય સંસ્કૃતિ માટે પાવનકારી દિવસ છે. આજે દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વેદો અને વ્યાસ ભગવાન રચિત ૧૮ પુરાણોનું જે પૂજન થઇ રહેલ છે તેથી અમને ખૂબજ આનંદ થયો છે. આ જગત વાસનાથી ભરાયેલ છે. તેમાં આવા શાસ્ત્રોના વાંચનથી જ્ઞાનનો જયોતિ પ્રગટે છે. ભારત સદ્‌ગુણોનો દેશ છે. તે સ્વરુપ અને જ્ઞાનને પૂજે છે. અઢાર પુરાણોમાં શ્રી મદ્‌ભાગવત ગ્રન્થ તો જ્ઞાનનો ભંડાર છે. તેનું શ્રદ્ધા પૂર્વક અધ્યય કરવામાં આવે તો ભગવાનની અનુભૂતિ થાય છે.

ભગવાને આપણને જે આપ્યું છે તેની ગણતરી થઇ શકે તેમ નથી. જન્મથી માંડીને અત્યાર સુધી ભગવાને આપણા ઉપર અનેક ઉપકારો કર્યા છે. તેમજ આપણા સદ્‌ગુરુઓએ પણ આપણા ઉપર અનેક ઉપકારો કર્યા છે. તેનો બદલો વાળી શકાય તેમ નથી. ખરેખર તેને યાદ કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા.

આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે વિડીયો કોન્ફરન્સથી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આજે ગુરુ પૂર્ણિમાનો સપરમો દિવસ છે. એસજીવીપી ગુરુકુલ દ્વારા સમાજની બહુ મોટી સેવા થઇ રહી છે. તેમજ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી દેશ વિદેશ ફરી ભારતીય સંસ્કૃતિ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે ફેલાવો કરી રહ્યા છે તેથી અમને ખૂબજ આનંદ થાય છે.

પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં આપ મુંબઇ, સુરત, પનવેલ, કચ્છ, રાજકોટ વગેરે સ્થળોથી હરિભકતો આ ઉત્સવમા પધાર્યા છો જોઇ અત્યંત આનંદ થાય છે. અંતમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે ગુરુકુલ પરિવાર જનોએ ગુરુપૂજનનો લાભ લીધો હતો.
Picture Gallery

 

 

Achieved

Category

Tags