સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્ગુરુ સંતોના સાનિધ્યમાં અને વિશાળ સંખ્યામાં ગુરુકુલ પરિવારની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે ગુરુકુલ પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં દેશ વિદેશના ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થીઓ તથા ગુરુકુલ પરિવારના બહેનો તથા ભાઇઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શરુઆતમાં ગાયક હસમુખભાઇ પાટડીયા,વિજય ભરાડ, ઘનશ્યામ ભગત તેમજ વિનોદ પટેલે નંદ સંતોના કિર્તનોની રમઝટ બોલાવ્યા બાદ ગુરુકુલના ટ્રસ્ટી શ્રીડી.કે શાહ અને વિપુલભાઇ ગજેરા વગેરેએ પૂ. સ્વામીજી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતોનું હાર પહેરાવી પૂજન કર્યુ હતું. સંત પૂજન બાદ ભકિતવેદાંત સ્વામી, વેદાન્તસ્વરુપદાસજી સ્વામી, ધર્મવત્સલદાસજી સ્વામી, મુનિવત્સલદાસજી સ્વામીએ ભગવત્ નિષ્ઠા તથા રાજીપા વિષે પોતાના આગવી શૈલીમાં સમજણ આપી હતી. પૂ. સ્વામીજીએ જણાવેલ કે ગુણાતીત પરંપરામાં પ્રાતઃ સ્મરણીય બાલમુકુંદદાસજી સ્વામી, શ્રી ધર્મસ્વરુપદાસજી સ્વામી, પુરાણી ગોપીનાથદાસજી સ્વામી, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂ.જોગી સ્વામી વગેરે સંતોનો ભવ્ય વારસો આપણને મળ્યો છે. આપણે જ્યારે ગુરુકુલ પરિવારના છીએ ત્યારે ગુરુકુલ પરિવાર એટલે સદાચાર અને સંસ્કારયુકત શિક્ષણને પ્રેમ કરનારો પરિવાર. ગુરુકુલ પરિવાર એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશાઓ અને મૂળભૂત સિદ્ધાંતોને પૃથ્વી પર ફેલાવનાર પરિવાર, ગુરુકુલ પરિવાર એટલે નિષ્ઠાવાન, નિર્વ્યસની અને હિન્દુ સનાતન ધર્મના મૂલ્યોને વરેલો પરિવાર.
ભગવાન શ્રી સ્વામિનારાયણનું અવતરણ સર્વજીવહિતાવહ કલ્યાણ માટે હતું. સર્વજીવ પ્રાણી માત્ર સુખી થાય એવા સેવાકાર્યો કરવા તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો રાજીપો છે. આદર્શ યુવા પેઢી તૈયાર કરવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે સદ્વિદ્યા પ્રવર્તનનો આદેશ આપ્યો છે. સમય ફરતો રહેશે પણ સર્વજીવહિતાવહ અને સદ્વિદ્યાના પ્રવર્તનના આદર્શો અફર રહેશે. સદી કોઇ પણ હશે પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણના આદર્શો અફર રહેશે. ગુરુકુલના આદ્ય સંસ્થાપક શા.મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી આજ સંદેશાઓને અનુસરીને સદ્વિદ્યાનું પ્રવર્તન અને સર્વજીવહિતાવહની અનેકવિધ સેવા પ્રવૃત્તિ શરુ કરી છે. એ પ્રવૃત્તિને આગળ વધારવી એ ગુરુકુલનું ધ્યેય છે. ગુરુકુલ પરિવારની સમાજમાં એક શાખ છે. એ શાખને ડાઘ ન લાગે તે માટે આપણે સાવધાન રહેવું જોઇએ. સર્વજીવહિતાવહ પ્રવૃત્તિ સાથે આપણે સ્વચ્છતા અભિયાન ચલાવીએ. આ માટે આપણે ૧૦૮ ગામો દત્તક લીધા છે. આ માટે સંતો ટૂંક સમયમાં તમારે ગામ આવશે તો તમો પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાશો. આ પ્રસંગે પૂ.બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે આટલી મોટી સંખ્યામાં આપ આવી ઠંડીમાં દૂરદૂરથી પધાર્યા છો તેથી અમને ખૂબજ આનંદ થાય છે. ગુરુકુલ પરિવારે ખાસ કરીને ગુરુપૂર્ણિમા તેમજ દર વરસે ડીસેમ્બરમાં સ્નેહ મિલન યોજાય ત્યારે ખાસ હાજરી આપવી. જેણે જેણે આ ઉત્સવમાં તન, મન અને ધનથી લાભ લીધો છે તેને અભિનંદન આ પ્રસંગે હાસ્યકલાકાર શ્રી જગદીશ ત્રિવેદી લિખિત ‘રજનો રસથાળ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ.
તેમજ તાજેતરમાં કેનેડા, ટોરન્ટો, ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં સંગીત કાર્યક્રમ કરી આવતા ગુરુકુલના પૂર્વ વિ. વિનોદ પટેલનું પૂ. સ્વામીજીએ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. સાથે સાથે ગુરુકુલના ટ્રસ્ટી શ્રી ડી.કે.શાહના જન્મદિન પ્રસંગે ખાસ હાર પહેરાવી પૂ. સ્વામીજીએ શુભાશીર્વાદ આપ્યા હતા. અંતમાં પૂ.પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, હાસ્યકલાકાર જગદીશભાઇ ત્રિવેદી તેમજ ભીખુદાનભાઇ ગઢવીએ શ્રોતાઓને હાસ્યરસ પીરસી ગુરુકુલની પ્રવૃત્તિ અને વૈશ્વિક સેવાકાર્યોને બિરદાવ્યા હતા.
Picture Gallery