મચ્છુન્દ્રીના કિનારે દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં SGVP ગુરુકુલ દ્વારા નૂતન ગુરુકુલનો શિલાન્યાસ
મકરસંક્રાન્તિના પુનિત પર્વે જ્યાં મહાદેવના શિરે અખંડ જલ ધારા વહી રહી છે તે તે મચ્છુન્દ્રીના કિનારે ઉના પાસેના દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી દ્વારા પૂ. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે દક્ષિણ ભારતના પંડિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી અને ઋષિકુમારો દ્વારા વૈદિક વિધિથી ભગવાન શ્રી સ્વામિનારાયણના જયનાદ સાથે નૂતન ગુરુકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉના વિસ્તારના ધારાસભ્ય શ્રી પુંજાભાઇ વંશ તથા વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ તેમજ ગામડે ગામડેથી હજારો ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આ પછાત એરિયાના ગામડાંઓમાં સંસ્કાર યુકત શિક્ષણનો વ્યાપ વધે તેવા શુભ હેતુથી આ એસજીવીપી ગુરુકુલ દ્વારા નૂતન ગુરુકુલનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં અને મચ્છુન્દ્રી નદીની ગોદમાં કુદરતી વાતાવરણમાં આ ગુરુકુલનો વિકાસ થશે અને આધુનિક યુગમાં પ્રાચીન ગુરુકુલોની ઝાંખી કરાવશે. દ્રોણેશ્વર મહાદેવ અત્યંત પ્રાચીન છે.ગુરુદેવ દ્રોણાચાર્યે પોતાના પ્રિય શિષ્યો પાંડવોને લઇને અહીં પધારેલા. અને દ્રોણેશ્વર મહાદેવની સ્થાપના કરેલી.
ગુરુકુલને લીધે આ પ્રાચીન તીર્થનો વિકાસ પણ થશે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પૂ.પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પૂ.જોગી સ્વામી આ ઉના વિસ્તારના ગામડાંઓમાં પગપાળા ફરીે વિચરણ કરેલ છે તેથી આ ભૂમિ સદ્ગુરુઓના ચરણંાકિત થયેલ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલ સદ્વિદ્યા પ્રવર્તનના સંદેશને મૂર્તિમંત રુપ આપીને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે આગવી ક્રાંતિ કરી છે. તેમને પગલે પગલે ચાલીને આ ગુરુકુલનો પ્રાંરભ થઇ રહ્યો છે. આ ગુરુકુલમાં કન્યા કેળવણીને વિશેષ પ્રાધાન્ય આપવાામાં આવશે. સંસ્કારી સંતાનો રાષ્ટ્રનો સાચો આધાર છે. સંસ્કારી માતાઓ હશે તો જ રાષ્ટ્રને સંસ્કારી સંતાનો મળશે. અહીંયા મારુતિ ક્રિડા ધામનો પણ શિલાન્યાસ થયો છે. જે આ સંકુલનુું ક્રિડાંગણ હશે. અહીંયા દિકરીઓને સ્વરક્ષા માટે ખેલકૂદ વગેરેની તાલિમ આપવામાં આવશે. જેથી દિકરીઓ અનિષ્ટ તત્વોનો વીરતાથી સામનો કરી શકે. આ ઉપરાંત આધુનિક યુગના જ્ઞાન વિજ્ઞાનનો લાભ પણ અહીંયા મળશે. કન્યા કેળવણી ઉપરાંત અહીં બીજા પણ અનેક શૈક્ષણિક પ્રકલ્પો હાથ ધરવામાં આવશે. જેને લીધે આ વિસ્તારના બાળકોને સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત થશે. આ સ્થાનના વિકાસમાં ગુરુકુલના સંત શ્રી પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી યુવાન કાર્યકર્તાઓને તેમજ સંતો -હરિભકતોને છત્ર પુરું પાડી માર્ગદર્શન આપશે. આ પ્રસંગે પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીેએ આવડી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ભાઇઓ અને બહેનોનો આભાર માની આ નૂતન ગુરુકુલમાં તનમન અને ધનથી સહકાર આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પૂંજાભાઇ વંશે જણાવ્યું હતું કે હું ખરેખર સદ્ભાગી છું કે આવા પવિત્ર કાર્યમાં હિસ્સેદાર બનું છું. ગુજરાતના છેવાડાના પછાત ગામોમાં આ ગુરુકુલના સંતો સંસ્કાર સાથે કેળવણીનું જે ભગીરથ કાર્ય ઉપાડી રહ્યા છે તે જોઇને મારું મસ્તક નમી જાય છે.ખરેખર વિદ્યાના સંકુલ ઉભા કરી તેને ચલાવવા એ ઘણું કઠણ છે. આ વિકસી રહેલ ગુરુકુલ સંસ્થાને તનમન અને ધનથી સહકાર આપશો. આ સંસ્થાના વિકાસ કાર્યમાં મારો સંપૂર્ણપણે સહકાર રહેશે
Picture Gallery