અમૃત પર્વ ૨૭ ડિસેમ્બર ૨૦૧૩
મુંબઈ પાસેના લોનાવાલા ખાતે તા. ૨૭ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ ગુરુકુલના ટ્રસ્ટી શ્રી નવિનભાઇ દવેના નૂતન નિવાસ સ્થાને, તેમના અમૃત વર્ષ પર્વ પ્રસંગે, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી વગેરે સંતો તથા મોટી સંખ્યામાં હરિભકતોની ઉપસ્થિતિમાં પુરાણી શ્રી હરિદાસજી સ્વામી તથા ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોના ગાન સાથે ષોડશોપચાર ઠાકોરજીની મહાપૂજાનો દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવિનભાઇ, ગોપાલભાઇ, નિખિલભાઇ, વરુણકુમાર વગેરે જોડાયા હતા.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુકુલ પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં સદ્ગુરુ સંતોના હસ્તે શ્રી નવિનભાઇ દવેને તેમના અમૃતવર્ષ પર્વ નિમિત્તે અભિનંદન પત્ર અર્પણ કરી આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે યોજાયેલ સત્સંગ સભાને સંબોધન કરતા પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે પ્રત્યેક પળે જે પ્રસન્નતાનો અનુભવ કરે અને અન્યને પ્રેમ સાથે પ્રસન્નતાની ભેટ આપે છે એવા નિખાલસ, બંન્ને દેશના આચાર્યશ્રી મહારાજો, સંતો, હરિભકતો અને ગુરુકુલ પરિવારના હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કરી ચુકેલા શ્રી નવિનભાઇ દવે એટલે સમાજ સેવા, શિક્ષણ સેવા, સાહિત્ય સેવા અને સત્સંગ સેવાનું જ્વલંત ગૌરી શિખર. જ્ઞાની જનકરાજા જેટલી સમજણ સાથે વ્યવહારમાં રહેવું અને શ્રીજી સમકાલીન હરિભકતો જેટલી સરળતા, સમર્પણ અને સ્નેહસભર ભકિતભાવનાથી ભરેલા ભકત હ્રદયની નિખાલસતા સાથે સત્સંગની સેવા કરવી એજ જેના જીવનમાં વણાયેલ છે એવા નવિનભાઇ દવેના અમૃત પર્વે ખૂબ ખૂબ અભિનંદન છે.
વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા જણાવ્યું હતું કે નવિનભાઇ દવે એ તો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘરેણું છે. તેમણે સંપ્રદાયની ગાદીનો પક્ષ રાખી ખૂબજ સેવા કરી છે. વ્યવહારિક જીવનમાં ધીરજ, ક્ષમા, દ્રઢતા અને કુનેહ ભરેલી કોઠસૂઝ દ્વારા કાર્યભાર નિભાવીને માનવીય મુલ્યોનું જતન કર્યું છે. તેમના આ અમૃતવર્ષ પર્વે અમારા અંતરના આશીર્વાદ સાથે અભિનંદન.
પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે બહુમુખી પ્રતિભા ધરાવતા નવિનભાઇએ ગુજરાતી સાહિત્ય જગતની સૌથી જુની સંસ્થા ફાર્બસ ગુજરાતી સભાના અધ્યક્ષપદે સેવાઓ
સમર્પિત કરી, ૫૫ વર્ષોથી અવિરત પુસ્તક પ્રકાશન કરતી સંસ્થા શ્રી પરિચય ટ્રસ્ટના ચેરમેન પદે રહી, ઇમેજ બુક કલ્ચર ટ્રસ્ટ દ્વારા હજારો ગ્રન્થાલયોમાં મૂલ્યનિષ્ઠ સાહિત્ય વિના મુલ્યે અર્પણ કરેલ છે. ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંસ્થાપિત દેવમંદિરોની સેવા અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાના ટ્રસ્ટી પદે રહી સદૈવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સર્વજીવહિતાવહ સંદેશ – સદ્વિદ્યા પ્રવર્તનની સેવા કાર્યમાં જેઓ તન મન અને ધનથી અવિરત સેવા બજાવી રહ્યા છે.
આ પ્રસંગે પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ તથા મધુભાઇ દોંગાએ શાસ્ત્રીજી મહારાજ સાથેના નવિનભાઇ દવેના સંસ્મરણોને યાદ કર્યા હતા. અને રીબડા વસવાટ પ્રસંગના શૂરવીરતાના પ્રસંગોને પણ યાદ કર્યા હતા.
ગુરુકુલ દ્વારા ૨ નૂતન MP3 CD (આનંદની હેલી તથા સંસ્કૃત શ્લોક શ્લોક પદ્યાવલી – ગાયક : શ્રી હસમુખભાઈ પાટડિયા)નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
અંતમાં શ્રી નવિનભાઇએ ભાવુક હ્રદયે સૌ કોઇનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે જે છે તે પૂ.શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પૂ.જોગી સ્વામી તેમજ પિતાશ્રી ચંદુબાપા, દાદા પ્રભાશંકર બાપાના વગેરેની કૃપાનું ફળ છે.
Picture Gallery