Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Worship for WASH – Ahmedabad

તાજેતરમાં યુનાઇટેડ નેશન સાથે સંકળાયેલ યુનિસેફ તેમજ ગ્લોબર વોશ એલાયન્સના અધ્યક્ષ શ્રી ચિદાનંદજી સરસ્વતીજી મહારાજ (મુનિજી)ના સાનિધ્યમાં વર્શીપ ફોર વોશ- શુદ્ધ જલ,શૌચાલય,અને સ્વચ્છતા અભિયાન અંગેનો ભવ્ય કાર્યક્રમ ઋષિકેશ ગંગાના પવિત્ર કિનારે યોજાયો હતો.
દરેક ધર્મગુરુઓએ એક સાથે બેસીને ભારત સહિત વિશ્વના દેશોને વિશુદ્ધ પર્યાવરણ,નિર્મળ જલ,અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો સંકલ્પ કર્યો હતો.જેમાં શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ગુજરાતના ૧૦૮ ગામડાંઓ સ્વચ્છતા અભિયાન માટે દત્તક લેવાની જાહેરાત કરી હતી.
આ અનુસંધાને સાબરમતી રિવરફ્રન્ટ પર તા.૫-૧-૨૦૧૫ ના રોજ શ્રી ચિદાનંદજી સરસ્વતીજી (મુનિજી મહારાજ)તથા સદગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સંયુકત ઉપક્રમે શ્રી જગન્નાથજી મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને, સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ, ગોસ્વામી શ્રી લક્ષ્મણબાવાશ્રી, બિશપ શ્રી થોમસ મેકવાન, ચીફ ઇમામ શ્રી ઉમર ઈલ્યાસીજી, જ્ઞાની રતનસિંહજી, જૈનાચાર્ય શ્રી લોકેશ મુનીજી, શ્રી અહમદ વોરા સાહેબ, મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઔડા ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા મેયરશ્રી શ્રીમતી મિનાક્ષીબેન પટેલ તથા મોટી સંખ્યામાં મંત્રીઓ તથા આમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે ધર્મગુરુઓ દ્વારા દિપ પ્રાગટ્ય બાદ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સૌ કોઇનું સ્વાગત કર્યું હતું. પૂજ્ય સ્વામીજીએ જણાવેલ કે દરેક ધર્મમાં આંતરિક અને બહારની સ્વચ્છતા અને પવિત્રતા ઉપર ભાર મુકાયો છે. અને એમનું એક સુત્ર છે – ‘વર્શીપ ફોર વોશ’. આજે આ તમામ વિવિધ પંથોના ધર્મગુરુઓ આ માટે માર્ગદર્શન આપવા એક મંચ ઉપર વિરાજમાન થયા છે. આ ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. આ સેવા કાર્યના પ્રેરણા સ્રોત પરમાર્થ નિકેતનના અધ્યક્ષ શ્રી ચિદાનંદ સરસ્વતીજી – પૂજ્ય મુનીજી મહારાજ છે. ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારતનું અભિયાન શરું કર્યું છે એ બદલ એમને પણ અભિનંદન !
આજે આપણા એસજીવીપી ના સંતો અને કાર્યકર્તાઓ ગામડે ગામડે ફરીને ‘વર્શીપ ફોર વોશ’ અભિયાનમાં લોકોને પ્રેરણા આપીને જોડી રહ્યા છે. ગામડાઓના સરપંચશ્રીઓ, આગેવાનો, શાળાઓના શિક્ષકો – આચાર્યો અને વિદ્યાર્થીઓ સંતોના વચને આ સેવા કાર્યમાં ઉત્સાહથી જોડાઈ રહ્યા છે. આપનો દેશ ગંદો છે એ મેણું આપણે ભાંગવું જ રહ્યું. મકરસંક્રાંતિના મંગલ પર્વે SGVP તરફથી ગુજરાતને આ ‘વર્શીપ ફોર વોશ’નો ઉપહાર આપવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે મંગલ ઉદ્બોધન કરતા પૂજ્ય મુનીજી મહારાજે જણાવ્યું હતું કે ગુજરાતની યાત્રા મહાત્મા ગાંધીથી લઇને વડાપ્રધાન મોદી સુધીની યાત્રા છે. સંત, સરકાર, મીડિયા અને યુવા શક્તિથી સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થશે. ગુરુકુલ પરિવાર દ્વારા જગાવાયેલી સ્વચ્છતાની ઝુંબેશ આની શરૂઆત  છે. આ ભારત દેશ આપણો મનાવો જોઈએ. ફક્ત આપણું ઘર જ નહિ પણ એક એક ગલી ને પણ આપણી માનીને સ્વચ્છ અને સુંદર રાખવી જોઈએ.
દિલ્હીથી પધારેલા જૈન આચાર્ય શ્રી લોકેશમુનીજીએ પણ જણાવ્યું હતું કે સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ સમાજ બની શકે છે. કેમકે શરીર સ્વસ્થ હોઈ તો જ સમૃદ્ધિ માટે પુરુષાર્થ થઇ શકે છે.
ઓલ ઇન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ શ્રીમાન ઉમર અહમદ ઈલ્યાસીજીએ જણાવ્યું હતું કે દરેક ધર્મમાં સ્વચ્છતાનું પાલન કરવાનું ફરમાન છે. અહી ઉપસ્થિત સર્વે ધર્માચાર્યોની પ્રેરણાથી દરેક ધર્મના લોકોને સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારતનો પૈગામ મળશે. સ્વચ્છતાની આ ઝુંબેશમાં અમે સહુ સાથે છીએ.
ખ્રિસ્તી ધર્મકે બીશપ શ્રીમાન ડૉ. થોમસ મેકવાને જણાવ્યું હતું કે દરેક ધર્મના ગુરુઓ પોતાના અનુયાયીઓને સ્વચ્છતા માટે પ્રેરણા આપે તેનાથી જ સ્વચ્છ સમાજ અને સ્વચ્છ દેશ બનશે. સ્વચ્છતાની આ ઝુંબેશ પોતાનાથી શરુ થવી જોઈએ.
અધ્યક્ષ સ્થાનેથી શ્રી જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજે આ પ્રસંગે આશીર્વાદ પાઠવી અંતરનો આનંદ વ્યક્ત કર્યો હતો.
શ્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આટલા સંતોના દર્શન કરી આનંદ થયો છે. હું સંતોના સુર માં સુર પુરાવું છું. અને સમગ્ર સરકાર વતી આશીર્વાદ માંગું છું. ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી આનંદીબેન પટેલ પણ સફાઈ અભિયાન માટે જાગૃત છે, સાથે સાથે નાના બાળકોના કુપોષણના નિવારણ માટે પણ ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે. તે માટે હું સંતોના આશીર્વાદ માંગું છું. યુનિસેફ ટીમ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી.
અંતમાં સાબરમતી મૈયાના પૂજન બાદ ગંગા જલના ૧૦૮ કળશથી સાબરમતી લોક્માતાનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારે સાબરમતી-ગંગા અને નર્મદાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. અંતમાં ઉપસ્થિત ધર્માચાર્યો, મહાનુભાવોએ ૧૦૮ આરતી થી સાબરમતી મૈયાની ભવ્ય આરતી ઉતારી હતી.
Picture Gallery

Achieved

Category

Tags