Sarangi Vadan - 2021

સારંગીવાદન - કીર્તન ભક્તિ સંધ્યા

સારંગી એ ભારતનું સૌથી પ્રાચીન વાદ્યોમાનું એક વાદ્ય છે. સારંગીનો સીધો સંબંધ ઓમકાર સાથે છે. સારંગી દેખાવે અત્યંત સુંદર હોય છે. તેમાં ૪૦ તારોનું ટ્યુનીંગ થયા પછી તાર પર હાથ પડતા ઓમકારનો ધ્વની નીકળે છે.

મોગલ બાદશાહ અકબર અને તાનસેનના સમયમાં દ્રુપદ ગાયકી થતી ત્યારે સારંગીના સંગતમાં વીણાનો ઉપયોગ થતો. બૈજુ બાવરાએ સારંગીના કરુણ સ્વરથી પત્થરને પણ પીગળાવી તાનસેનને હરાવ્યો હતો.

ભગવાન શ્રી સ્વામિનારાયણના વખતમાં સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી સારંગી વગાડતા. જે સારંગી હાલ વડતાલમાં છે. પ્રેમાનંદ સ્વામીએ ગ્વાલિયરના સંગીતકારોને સારંગીમાં કરુણ રાગ વગાડી હરાવ્યા હતા.

સારંગી માટે એક સુત્ર છે " तुम मुझे खून दो, मै तुझे स्वर दूंगी । "સારંગી શીખનારાને પહેલા તો આંગળીના ટેરવામાંથી લોહી ટપકવા માંડે છે.

જેના પરિવારમાં ૪૦૦ વર્ષથી સારંગીનું વાદન થાય છે અને જેઓએ દેશ વિદેશમાં અનેક સ્ટેજ કાર્યક્રમો આપેલ છે એવા જયપુર ઘરાનાના સારંગીવાદક ઉસ્તાદ સાબીરખાન દ્વારા, પોષ માસની ઢળતી રાતે, SGVP ગુરુકુલ ખાતે, પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં સારંગીવાદનનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો.

તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના નંદસંતોના રચિત કિર્તનોને ડો. ચિંતનભાઇ મહેતાએ ધ્રુપદ રાગમાં ગાઇને સારંગીવાદક ઉસ્તાદ સાબીરખાનને સાથ આપ્યો હતો. સાથે જયપુરના જાણીતા મનમોહન ભટ્ટના પરિવારમાંથી અને વલ્લભકુળ સાથે નાતો ધરાવતા એવા હેમંતભાઇ ભટ્ટે પણ સાથ આપેલ. તબલા વાદક આનંદભાઇ સોની પણ સંગતમાં જોડાયા હતા.

કાર્યક્રમને અંતે ઉસ્તાદ સાબીરખાને રાજસ્થાનનું મશહુર ગીત 'કેસરિયા આજો મારે દેશ' અને 'રઘુપતિ રાઘવ રાજા રામ' ધૂન સારંગીમાં વગાડી શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. આ કાર્યક્રમમાં સંતો, ઋષિકુમારો, સંગીતકાર હસમુખ પાટડીયા અને જી.જે. મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ તમામ કલાકારોને પૂજ્ય સ્વામીજીએ હાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.