Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

સદ્ગુરુવંદના મહોત્સવ – બાપુનગર, અમદાવાદ, 2012

સર્વાવતારી ભગવાનશ્રી સ્વામિનારાયણે આ અવનિ ઉપર પધારી અનેક જીવોને અક્ષરધામના અધિકારી બનાવ્યા. પોતે સ્વધામ પધાર્યા બાદ સંત, મંદિર અને શાસ્ત્ર દ્વારા અક્ષરધામનો માર્ગ ખુલ્લો રાખ્યો. શ્રીહરિને અખંડધારક સંતોએ ગામડે ગામડે વિચરણ કરી અનેક જીવોને ભવપાર ઉતાર્યા. એવા જ એક અખંડ ભગવત્ પરાયણ પૂજયપાદ જોગીસ્વામીએ આ પૃથ્વી ઉપર ૧૦૭ વર્ષ રહી મુમુક્ષુઓનું સર્વ પ્રકારે પોષણ કર્યુ. એવા એ સંતની ૧૦૮મી જન્મજયંતિનું વર્ષ ગુરુકુલ પરિવાર દ્વારા અનેકવિધ ધાર્મિક સામાજીક પ્રવૃત્તિઓ સાથે ઉજવાઈ રહ્યું છે.પૂજયપાદ જોગીસ્વામીની સ્મૃતિમાં જયારે સદ્ગુરુવંદના મહોત્સવ ડીસેમ્બેર ૨૦૧૨માં ઉજવવાનો છે ત્યારે આ મહોત્સવના ઉપક્રમે તથા પૂજયપાદ જોગીસ્વામીના તિથિ પ્રમાણેના ૧૦૮માં જન્મદિન પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર બાપુનગર દ્વારા તારીખ ૨૧ થી ૨૫ એપ્રિલ,૨૦૧૨ દરમિયાન પંચદિનાત્મક શ્રીમદ્ ભાગવત્ દશમ સ્કંધ કથા પારાયણનું ભવ્ય આયોજન થયું. બાપુનગરના ઉત્સાહી હરિભક્તોએ આ સંપુર્ણ આયોજનમાં રાત્રી-દિવસ તન-મન-ધનથી સેવા કરી આ મહોત્સવને અતિ સફળ બનાવ્યો.મહોત્સવના પ્રારંભે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. મહોત્સવના મુખ્ય યજમાન શ્રી બાબુભાઇ ભાદાણીના નિવાસ સ્થાનેથી ઠાકોરજી તથા પોથીજીના પુજન સાથે પ્રારંભ થયેલી શોભાયાત્રામાં એક ગજરાજ ઉપર રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણ તથા બીજા ગજરાજ ઉપર પોથીજી વિરાજમાન થયા. વિવિધ શણગારેલા ફલોટોમાં સંતો વિરાજમાન થયા. બેન્ડવાજા, રાસમંડળી વગેરે જોડાતા લગભગ કિલોમીટર જેટલી લાંબી શોભાયાત્રાના દર્શન ભવ્ય રહ્યા.
મહોત્સવ ઉદ્ઘાટન : મહોત્સવના અધ્યક્ષ અને વક્તા સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીસ્વામી, સદ્ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજીસ્વામી, અમદાવાદના મેયરશ્રી અસીતભાઇ વોરા તથા વલ્લભભાઈ કાકડીયા (ધારાસભ્યશ્રી, રખીયાલ) વગેરે મહાનુભાવોના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે દિપ પ્રાગટ્ય થયું. ગુરુકુલનાં વિદ્યાર્થીઓએ મહોત્સવ ઉદ્ઘાટન નૃત્ય રજુ કર્યું. ત્યાર બાદ પ.પુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ મંગલ ઉદ્બોધન કરી કથાનો પ્રારંભ કરાવ્યો.સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ અત્યંત ભાવવાહી તથા કથાના મર્મને સુચવતી કથાનું અમૃત વહાવ્યું. કથા અંતર્ગત શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ભગવાન શ્રીકૃષ્ણની બાળ લીલાઓ, કંસ વધ, દ્વારિકા નિવાસ, રુક્ષ્મણી વિવાહ વગેરે પ્રસંગો અત્યંત અર્થસભર વાણી દ્વારા વહાવ્યા. કથા શ્રવણ કરવા હજારો ભક્તો ઉમટી પડ્યા. વિશાલ સભામંડપ ખીચોખીચ ભર્યો રહ્યો.પ. પૂ. સદ્ગુરુ શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પ. પુ સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પ.પુ સદ્ગુરુ પુરાણી શ્રી શ્રીહરિદાસજીસ્વામી, પ.પુ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભક્તિજીવનદાસજીસ્વામીએ પણ પ્રસંગોપાત્ કથાવાર્તાનો લાભ આપ્યો હતો.આ મહોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલે ઉપસ્થિત રહી પાવનકારી કથા શ્રવણનો લાભ લીધો. તેઓએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતુ કે શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આ ગુરુકુલ પરંપરાને શરુ કરી અનેક જીવોનું મંગલ કર્યું છે. તથા અત્યારે આ સંતો એ કાર્યને સારી રીતે ચલાવી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ શ્રી પુરુષોત્તમભાઇ રુપાલા એ જણાવ્યુ હતું કે પૂજય માધવપ્રિયદાસજી સ્વામી તથા બાલકૃષ્ણસ્વામી ગુજરાતનું ઘરેણું છે. તેઓને મે મારી આંખે સમાજની સેવામાં દેહ ઘસતા જોયા છે. આવા સંતોનો સંગ કરી જીવનને ધન્ય બનાવી લેવું. આ ઉપરાંત ભુપેન્દ્રસિંહ ચુડાસમાં વગેરે મહાનુભાવો પણ પધાર્યા હતા.પૂજયપાદ જોગીસ્વામીના ૧૦૮મા જન્મદિન ઉજવણીતા.૨૩ એપ્રિલ એટલે પૂજયપાદ જોગીસ્વામીનો તિથિ પ્રમાણેનો જન્મ દિવસ. આજ રોજ સવારથી જ સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ જેવા સેવાકિય કાર્યક્રમો યોજાયા, જેમા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. રાત્રે કથા સમાપ્તિ બાદ પૂજય જોગીસ્વામીના ઠાકોરજીનું વૈદિક વિધિ પ્રમાણે પૂજન થયું. ઠાકોરજીના પૂજન બાદ પૂજયપાદ જોગીસ્વામીના પૂજનમાં સહુ સંતો હરિભક્તો જોડાયા. ત્યારબાદ સહુ સંતો, યજમાનો તથા હરિભક્તોએ પુજય સ્વામીનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી. સાથે રોજ ‘જોગીસ્વામીની જીવનગાથા’ પુસ્તકની તૃતીય આવૃત્તીનું વિમોચન કરવામાં આવ્યું હતું. પૂજન બાદ ઠાકોરજીની સમુહ આરતીનું એ રમણીય દ્રશ્ય સહુ કોઈના માનસપટલ ઉપર છવાયેલુ રહ્યું.મહોત્સવના વિશિષ્ટ કાર્યક્રમોસંપૂર્ણ મહોત્સવ દરમિયાન સમુહ મહાપુજા, ગુરુકુલના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ, સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી ભીખુદાનભાઇ ગઢવીનો સત્સંગ ડાયરો, સમુહ રાસ, સાકરવર્ષા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા. સંપૂર્ણ મહોત્સવના મુખ્ય યજમાન પરમ ભક્ત શ્રી બાબુભાઇ ભાદાણી તથા પરમ ભક્ત શ્રી જીવરાજભાઇ સુદાણીના સમર્પણ બદલ સંતોએ તેઓનું વિશિષ્ટ બહુમાન કર્યું. રાત્રીદિવસ મહેનત કરનાર શ્રી પુરુષોત્તમભાઇ જિયાણીને સંતોએ આશિર્વાદ પાઠવ્યા. આ ઉપરાંત સર્વકોઇ નાની-મોટી તન-મન-ધનથી સેવા કરનાર હરિભક્તોને સદ્ગુરુ સંતોએ બીરદાવ્યા હતા.આ મહોત્સવ દ્વારા હજારો ભક્તજનોએ ભગવાનના ચરિત્ર કથા-પણ તથા પૂજ્ય જોગી સ્વામીના ગુણાનુવાદનો દિવ્ય લાભ લીધો હતો.
Picture Gallery

Achieved

Category

Tags