નૂતન વિદ્યાલય ભવન ઉદ્‌ઘાટન, ગુરુકુલ અમદાવાદ, 2014

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે પવિત્ર ધનુર્માસની પૂર્ણાહૂતિ, મકરસંક્રાન્તિની પૂણ્ય પર્વણિ અને ગૌપૂજનના ત્રિવેણી પર્વે ગુરુકુલમાં બંધાયેલ નૂતન, નવ્ય અને ભવ્ય વિદ્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે ગુરુકુલના સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી અને પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીએ દિપ પ્રાગટ્ય કરી, દરેક વિદ્યાર્થીને પેન, બૂક અને ગુલાબનું ફુલ અર્પણ કરી આશીર્વાદ સાથે પ્રવેશ કરાવ્યો હતો.

ઉદ્‌ઘાટન સાથે સંતોની દરેક રુમમાં પધરામણી બાદ નૂતન વિદ્યાલયમાં સાયન્સ લેબોરેટરી, કલા ખંડ, પ્રાર્થના ખંડ, કમ્પ્યુટર લેબ, સંગીત રુમ, ઓડિટોરિયમ, વગેરે ખંડનું નિરીક્ષણ કર્યા બાદ પ્રાર્થના, વિદ્યાર્થીઓ દ્વારા દિલધડક વ્યાયામના પ્રયોગો, માસ-પીટી વગેરેનું નિરીક્ષણ કરી શુભાશીર્વાદ આપ્યા હતા.

ઉદ્‌ઘાટન પ્રસંગે યોજાયેલ સભામાં પૂજ્ય સ્વામીએ જણાવ્યું હતું કે આજે ધનુર્માસની પૂર્ણાહૂતિ, મકરસંક્રાન્તિનો પવિત્ર દિવસ અને ગૌમાતાનું પૂજન આ ત્રિવેણી પ્રસંગે નૂતન વિદ્યાલયમાં જે પ્રવેશોત્સવ ઉજવાઇ રહેલ છે તેથી અત્યંત આનંદ થાય છે.

આજે મકરસંક્રાન્તિના દિવસે આપણે પતંગ ઉડાડીએ છીએ, તેમાં આધ્યાત્મિક વિજ્ઞાનનું રહસ્ય સમાયેલ છે. સૂર્યનારાયણને સંસ્કૃતમાં પતંગ કહેવાય છે. સૂર્યનારાયણ આજે જ્યારે મકરરાશિમાં પ્રવેશ કરે છે એટલે કે સૂર્ય આપણી નજીક આવે છે ત્યારે તે નજીક આવતા સૂર્યનારાયણને વધાવવા માટે આપણે પતંગ ઉડાડી સૂર્યનારાયણને આવકારીએ છીએ કે, ‘હે સૂર્યનારાયણ પધારો, અમે તમારું સ્વાગત કરીએ છીએ’.

‘મકરસંક્રાન્તિનો દિવસ ભારતવર્ષ માટે ગૌરવવંતો દિવસ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ પતંગનું રહસ્ય સમજાવતા ચનામૃતમાં જણાવેલ છે કે પતંગ ભગવાનની મૂર્તિ છે. દોરી આપણી વૃત્તિ છે અને પવન મહાપુરુષ સમાન છે. મહાપુરુષની આજ્ઞામાં રહી જો જીવન જીવીએ તો આપણું જીવન અધ્યાત્મના વિશાળ ગગનમાં ઉર્ધ્વ ગતિ કરે. ‘
‘આજે વિદ્યાર્થીઓ નૂતન વિદ્યાલયમા પ્રવેશ કરી રહ્યા છે. શાળા એ બાળકો માટે સંસ્કાર ધામ છે. સરસ્વતી મંદિર છે. આચાર્ય સૂર્યકાંતભાઇ દ્વારા જાણવા મળ્યું કે શાળાની તમામ સુશોભન કાર્ય બાળકો દ્વારા જ થયું છે. તે જાણી અત્યંત આનંદ થાયછે. મારે ઉદ્‌ઘાટનમાં ઘણે જગ્યાએ જવાનું થાય છે પણ આવું ઉદ્‌ઘાટન પ્રથમ જોવા મળ્યું.’
વિદ્યાર્થીઓને સંબોધન કરતા સ્વામીજીએ જણાવેલ કે, ‘આપ સર્વે માતૃતુલ્ય ગુરુકુલમાં સંસ્કાર સાથે વિદ્યાભ્યાસ કરી રહ્યા છો, તે સંસ્કાર બહાર જઇને પણ વિસ્તારજો. મા બાપની સેવા કરજો. રાત દિવસ સંતો જે તમારી સેવા કરે છે તેને કદિ ભૂલશો નહીં. તમોને જે કાંઇ પ્રાપ્ત થાય તેમાંથી ગરીબોને વહેંચજો. કારણકે આજે મકરસંક્રાન્તિનો દિવસ છે. જે દાન દેવાનો દિવસ છે. ભારતીય સંસ્કૃતિમાં લેવાનો નહીં પણ દેવાનો મહિમા વધારે છે.’

પૂજ્ય પુરાણી શ્રી  બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે, ‘સંસ્કાર વિનાનું જીવન નકામું છે. ગુરુકુલમાં વિદ્યા સાથે વિવેક, વિનય, સદાચાર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ વગેરેના પાઠ ભણાવાય છે, તે તમે કદિ ભૂલશો નહીં. આજે તો પતંગ ઉડાડવાનો દિવસ છે. કોઇની પતંગ કપાય નહીં એ સાવધાની રાખજો એટલે કે બીજાનું અહિત થાય એવું કોઇ કાર્ય કરશો નહીં.’

આ પ્રસંગે શાળાના શિક્ષક તથા વ્યવસ્થાપક ગણ, વિદ્યાર્થીઓ વગેરેને આશીર્વાદ આપ્યા હતા.

Picture Gallery

 

 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.