Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Murti Pratishtha Mahotsav – Vavdi, Rajkot 2024

મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ – વાવડી, રાજકોટ

SGVP ગુરુકુલના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર SGVP અમદાવાદ ની નૂતન શાખા ‘પ્રેમપ્રકાશ’ સંસ્કાર કેન્દ્ર વાવડી ખાતે નૂતન પ્રાર્થના મંદિરમાં તા. ૯-૧૨ એપ્રિલ, ૨૦૨૪ – ચૈત્ર સુદ – ૧ થી ૪, દરમ્યાન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું હતું. ૧૨ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ વડતાલ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી રામ, શ્યામ, ઘનશ્યામ મહારાજ તેમજ શ્રી મહાદેવ પરિવાર, શ્રી ગણપતિજી તથા શ્રી હનુમાનજીની મૂર્તિપ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.

મહોત્સવના મંગળ આયોજનો.

શ્રી મહાવિષ્ણુ યાગ : પંચકુંડી શ્રી મહાવિષ્ણુ યાગમાં મહોત્સવના યજમાનોએ સજોડે આહુતિઓ આપી હતી.

શ્રી પ્રતિષ્ઠા યજ્ઞ : દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજીના આચાર્યપદે પ્રતિષ્ઠા યજ્ઞમાં આગમશાસ્ત્ર વિધાન સાથે પ્રતિષ્ઠા ઉપચાર કરવામાં આવ્યા હતા.

પોથી યાત્રા : તા. ૯ એપ્રિલના રોજ મંદિરથી સભામંડપ સુધી પોથીયાત્રા કાઠવામાં આવી હતી. મહોત્સવ દરમ્યાન શ્રી રામ-શ્યામ-ઘનશ્યામ ગાથા અંતર્ગત શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજીએ શ્રી રામચરિત ગાથા, શાસ્ત્રી શ્રી સર્વમંગલદાસજી સ્વામી દ્વારા શ્રી શ્યામ ચરિતગાથા અને શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીએ શ્રી ઘનશ્યામ ચરિતગાથાનું શ્રાવણ કરાવ્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમ : કથા દરમ્યાન SGVP ગુરુકુળ રીબડા ના વિદ્યાર્થીઓએ વિવિધ થીમ ઉપર કાર્યક્રમો રજૂ કર્યા હતા.

ફ્રી મેડિકલ કેમ્પ : મહોત્સવ દરમ્યાન આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં ૪૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. ફ્રી નિદાન સાથે જરૂરી દવા, ચશ્મા વગેરે પણ ફ્રી આપવામાં આવ્યા હતા.

ઠાકોરજીની નગરયાત્રા : ૧૧ એપ્રિલના રોજ તમામ મૂર્તીઓની વાજતે ગાજતે નગરયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ૧૦૮ કળશધારી બહેનો, રીબડા ગુરુકુલના વિદ્યાર્થીઓની રાસમંડળી, વાવડી ગામની ધૂનમંડળી, વગેરે જોડાયા હતા.

અન્નકૂટ દર્શન : પ્રતિષ્ઠા બાદ, ગામમાં ઘરે ઘરેથી બહેનોએ પવિત્રપણે બનાવેલ મીઠાઇ, ફરસાણ તથા વિવિધ સૂકા મેવા અને ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

‘પ્રેમપ્રકાશ’ SGVP સંસ્કાર કેન્દ્ર અને SGVP PRE-સ્કૂલનું ઉદ્ધાટન

વાવડી ગામમાં આ મંદિરમાં શ્રી રામ, શ્યામ ઘનશ્યામ મહારાજની ભવ્ય પ્રતિષ્ઠા સાથે, આજના ડિજિટલ યુગની હાનિકારક અસરમાં ઉછરતી નવી પેઢીના બાળકોમાં બાળપણથી શારીરિક, માનસિક અને અધ્યાત્મિક વિકાસ થાય તેવા હેતુથી ‘પ્રેમપ્રકાશ’ SGVP સંસ્કાર કેન્દ્ર અને SGVP PRE-સ્કૂલનું પણ આચાર્ય મહારાજના વરદ હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

સભામાં પરમ પૂજ્ય આચાર્યશ્રી મહારાજે પ્રાસંગિક આશીર્વચનમાં પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી દ્વારા સત્સંગ અને સમાજમાં થતી અનેકવિધ સેવાપ્રવૃતિઓને બિરદાવી હતી. અને ઉત્સવમાં સેવા બજાવનાર રીબડા ગુરુકુલના સંચાલક શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી હરિનંદનદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી ઋષિકેશદાસજી સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે રાજકોટ, બોરડી વાળા મંદિરથી કોઠારી રાધારમણદાસજી સ્વામી, બાલાજી મંદિરના કોઠારી વિવેકસાગર દાસજી સ્વામી, વગેરે સંતોએ પ્રાસંગિક પ્રવચનનો લાભ આપ્યો હતો.

આ પ્રતિષ્ઠા પ્રસંગે મુંબઇથી ટ્રસ્ટી શ્રી નવિનભાઇ દવે, ટ્રસ્ટી શ્રી મધુભાઇ દોંગા વગેરે મહાનુભાવો ઉપરાંત રાજકોટ, અમદાવાદ અને ગુંદાસરા, પારડી, રીબ, રીબડા વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં ભકતો ઉપસ્થિત રહ્યા હતા.

Achieved

Category

Tags